રાજકોટના રેલવે સ્ટેશને મુસાફરોના કરાયા કોરોના ટેસ્ટ: ૧ મહિલા પોઝીટીવ


રાજકોટ શહેરમાં ટ્રેનની અવરજવર શરૂ થઈ જતાં રેલ્વે સ્ટેશન પર ઉતરતા મુસાફરોના મેડીકલ ચેકઅપ મહાપાલિકાએ શરૂ કરી દીધા છે જેમાં પહેલાજ દિવસે પુરીથી આવેલી ટ્રેનના એક મહિલાને કોરોના પોઝીટીવ આવતા હોમ આઇસોલેશન સારવારમાં મોકલવામાં આવ્યા છે. એસ.ટી. બસ પોર્ટ ઉપર પણ ઘણા દિવસથી આ કામગીરી ચાલે છે અને એરપોર્ટ ઉપર પણ આવી જ વ્યવસ્થા કરવામાં આવ્યાનું મ્યુનિ. કમિશ્નરે કહ્યું હતું.
રાજકોટ બહારથી આવતા મુસાફરોના સ્વાસ્થ્યની કાળજી લેતા મહાનગરપાલિકા અને રેલ્વે સાથે મળીને કોરોના પોઝિટિવ દર્દી કે શરદી, ઉધરસ કે તાવના દર્દીઓને શોધી કાઢી તેઓને ત્વરિત સારવાર મળી રહે તેવું આયોજન કર્યું છે.
આજે ઓડિસાના પૂરી ખાતેથી ઓખા જઈ રહેલી સ્પેશિયલ ટ્રેનનું સવારે 7-50 વાગ્યે જંકશન ખાતે આગમન થતા 67 મુસાફરો રાજકોટ જંકશન ખાતે ઉતર્યા હતા અને મનપાના આરોગ્ય શાખા દ્વારા તમામ મુસાફરોનું એન્ટીજન ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ જેમાંથી એક મહિલાને કોરોના પોઝિટિવ નોંધાયો હતો અને તેમને હોમ આઇસોલેશન સારવાર હેઠળ રાખવામાં આવેલ છે, તેમજ અન્ય મુસાફરો સંપૂર્ણ સ્વસ્થ છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
વહેલી સવારે ઓડિસાના પૂરી ખાતેથી રાજકોટ ખાતે આવી પહોંચેલી સ્પેશિયલ ટ્રેનના મુસાફરોનું હેલ્થ ચેકઅપ અને એન્ટીજન ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, સ્ટેશન ખાતે મનપાની આરોગ્ય ટીમ પહેલેથી જ સજ્જ હતી જેમણે આવતા મુસાફરોના ટેસ્ટીંગ અને ચેકઅપ કામગીરી કરી હતી તેમજ મુસાફરોના સામાનને સેનીટાઈઝ કરવામાં આવ્યા હતા. બાદમાં 8.11 કલાકે ટ્રેન આગળ રવાના થઇ હતી.