ચાર માસમાં પ્રથમ વખત કોરોનાના અઠવાડિક કેસમાં ઘટાડો જોવા મળ્યો

(નવી દિલ્હી) ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભલે હજુ કોરોનાનો કહેર યથાવત રહ્યો હોય છતાં હવે મહામારી છેલ્લા-વિદાયના તબકકે હોવાની આશા સર્જતુ ચિત્ર ઉપસવા લાગ્યુ છે. છેલ્લા ચાર માસમાં પ્રથમ વખત કોરોનાના અઠવાડીક કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. આ ઉપરાંત લોકો પણ કોરોનાથી ટેવાઈ ગયા હોય તેમ મોટાભાગે જનજીવન નોર્મલ થઈ ગયુ છે. જો કે, અન્ય અમુક સેન્ટરોમાં ડેથરેટમાં વધારો થયો  છે.

ભારતમાં 14થી20 સપ્ટેમ્બરના અઠવાડીયામાં કોરોનાના નવા 6,40,019 કેસ નોંધાયા હતા. દરરોજના દરેરાશ કેસ 91000થી વધુ થવા જાય છે. મે માસના પ્રથમ અઠવાડીયા પછી પહેલી વખત અઠવાડીયાના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે.

અઠવાડીક કેસ ઘટયા હોવા છતાં મૃત્યુદરમાં વધારો છે. ગત સપ્તાહમાં 8175 લોકો કોરોનાનો શિકાર બન્યા હતા તે સંખ્યા આગલા સપ્તાહમાં 8069 હતી. મહત્વની વાત એ છે કે દેશમાં સતત ચોથા દિવસે એકટીવ કેસોની સંખ્યામાં ઘટાડો માલુમ પડયો છે. ગુરુવારે એકટીવ કેસની સંખ્યા 10.26 લાખની હતી તે આજે 10.1 લાખથી પણ ઓછી છે.

આ જ રીતે છ દિવસમાં પ્રથમ વખત નવા કેસની સંખ્યા 90000થી નીચે આવી છે. મહારાષ્ટ્રમાં પણ એક દિવસના કેસની સંખ્યા ઘટીને 21000ની નીચે આવી હતી. આંધ્રપ્રદેશમાં છેલ્લા એક મહિનાના સૌથી ઓછા 7738 કેસ નોંધાયા હતા તેવી જ રીતે 57 લોકોના મોત થયા હતા તે પણ છેલ્લા 50 દિવસના સૌથી ઓછા હતા. તામીલનાડુ જેવા રાજયમાં પણ નવા કેસમાં થોડો ઘટાડો હતો.

બીજી તરફ કોરોનાકાળ ખત્મ થવાના માર્ગે હોવાના આશાવાદ હેઠળ સામાન્ય લોકો પણ નોર્મલ જનજીવન અપનાવવા લાગ્યા છે. કોરોનાથી ડરેલા લાખો લોકો વતન પહોંચી ગયા હતા તે પરત આવવા લાગ્યા છે તેને ધ્યાને રાખીને ટ્રેનો પણ વધારવામાં આવી રહી છે. ઈંધણનો વપરાશ વધ્યો છે. અર્થતંત્ર પણ રફતાર પકડવા લાગ્યું છે.

ગત દિવસોમાં દિલ્હી, મુંબઈ, ગુજરાત જેવા ઔદ્યોગીક રીતે પિરીત રાજયો માટે વધારાની ટ્રેનો દોડાવવામાં આવી હતી. ગુજરાત તથા મહારાષ્ટ્ર જેવા રાજયોમાં સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડીયાનો વિજવપરાશ ગત વર્ષની સરખામણીએ અનુક્રમે 6.2 તથા 4.3 ટકાની વૃદ્ધિ દર્શાવવા લાગ્યો હોવાનું સૂચક છે.