કચ્છના માલધારીઓ ખુશખુશાલ, ઊંટડીના દૂધની સાથે-સાથે સરહદ ડેરી ચીઝ પણ લોન્ચ કરશે

રાજ્યમાં હવે ઊંટનું પાલન કરનારા માલધારીઓને ખૂબ જ વધારે ફાયદો થઇ રહ્યો છે. કારણ કે, ઊંટડીના દૂધની માગમાં પણ વધારો થતાં તેમને દૂધના સારા ભાવ મળી રહ્યા છે. ભારતમાં સૌપ્રથમ વખત ઊંટડીના દૂધનો પ્રોસેસિંગ પ્લાન્ટ કચ્છમાં સ્થપાયો છે. કચ્છમાં સરહદ ડેરી દ્વારા પ્રતિદિન 1,000 લીટર દૂધનું કલેક્શન કરવામાં આવે છે.

ઊંટડીના દૂધનો પ્લાન્ટ કચ્છમાં શરૂ કરવામાં આવતા કચ્છમાં ઊંટનું પાલન કરતા લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, તેમને ઊંટડીના દૂધનો પ્રતિ લીટરે રૂપિયા 50 ભાવ મળી રહ્યો છે. કચ્છમાં કેમલ મિલ્ક પ્લાન્ટમાં દૂધનું પ્રોસેસિંગ કર્યા બાદ તે દૂધનું માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે.

મહત્ત્વની વાત છે કે, વર્ષ 2012માં કચ્છમાં ઊંટની ગણતરી કરવામાં આવી હતી ત્યારે કચ્છમાં 7,967 ઊંટ જોવા મળ્યા હતા પરંતુ, 2019ની ઊંટની ગણતરીમાં તેમની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે અને કચ્છમાં છેલ્લા 23 વર્ષમાં પ્રથમ વખત ઊંટોની સંખ્યા 9,046 પર પહોંચી છે.

પહેલા માલધારીઓ ઊંટ વેચીને વ્યવસાય કરતા હતા પરંતુ, હવે કચ્છમાં ઊંટડીના દૂધનો પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવતા માલધારીઓ હવે ઊંટના પાલન તરફ વળ્યા છે. માલધારીઓ ઊંટડીનું દૂધ પોતે પણ પી રહ્યા છે અને ડેરીને પણ આપી રહ્યા છે.

એવું પણ કહેવામાં આવે છે કે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કેન્સર જેવી બીમારીમાં ઊંટડીનું દૂધ અક્સીર દવા તરીકે વપરાય છે અને તેના કારણે ઊંટડીના દૂધની માંગમાં વધારો થયો છે. કોરોનાની મહામારી વચ્ચે કેમલ મિલ્કની માંગમાં ખૂબ વધારો થયો છે. જેના કારણે સરહદ ડેરી દ્વારા અમૂલ ડેરીની સાથે મળીને લાખોદ નજીક 20 હજાર લીટર દૂધની ક્ષમતાવાળો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. સરહદ ડેરી દ્વારા નખત્રાણા, ભચાવ અને ભૂજ સહિતના વિસ્તારોમાંથી દૈનિક 1,000 લીટર જેટલું દૂધ એકત્રિત કરવામાં આવે છે. સરહદ ડેરી દ્વારા આગામી દિવસોમાં ઊંટડીના દૂધનું ચીઝ પણ લોન્ચ કરવામાં આવશે.

માલધારીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારા પૂર્વજો ખૂબ જ હેરાન પરેશાન થયા છે અને તે સમયે ઊંટડીના દૂધની કોઈ ડિમાન્ડ ન હતી. અત્યારે ભારત સહિત વિદેશમાં પણ આ દૂધની ડિમાન્ડ છે. તેમાંથી અલગ-અલગ વસ્તુઓ પણ બને છે. ખાસ કરીને ઊંટડીનું દૂધ દવામાં વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. અમને અત્યારે સરહદ ડેરીના માધ્યમથી ઊંટડીના દૂધનો ભાવ 51 રૂપિયા લીટર મળી રહ્યો છે. પહેલા અમને લોકો ઊંટડીના દૂધના 15થી 20 રૂપિયા આપતા હતા પરંતુ, હવે એ જ દૂધના 51 રૂપિયા મળી રહ્યા છે.