કોલકાતાનાઈટ રાઈડર્સ ત્રીજી જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચ્યું, રાહુલ ત્રિપાઠીની IPLમાં પાંચમી ફિફટી; વોટ્સનની વિકેટ પછી મેચના રૂપ માં બદલાવ

IPL 2020ની 21મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપરકિંગ્સને 10 રનથી  હરાવ્યું. 168 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઈ 20 ઓવરમાં 5 વિકેટે 157 રન જ કરી શક્યું હતું. રનચેઝ દરમિયાન ચેન્નાઈએ એક સમયે 10 ઓવરમાં 1 વિકેટે 90 રન કર્યા હતા.તેમને અંતિમ 10 ઓવરમાં 78 રનની જરૂર હતી, 9 વિકેટે હાથમાં હતી, તેમ છતાં તેઓ મેચ જીતી શક્યા નહોતા. વોટ્સનના આઉટ થયા બાદ કોલકાતાએ મેચમાં વાપસી કરી હતી. તેમના માટે શિવમ માવી, વરુણ ચક્રવર્તી, સુનિલ નારાયણ, કમલેશ નાગરકોટી અને આન્દ્રે રસેલે 1-1 વિકેટ લીધી હતી. મહેન્દ્રસિંહ ધોની 11 રને વરુણ ચક્રવર્તીની બોલિંગમાં બોલ્ડ થયો હતો. શેન વોટ્સને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા 40 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી 50 રન કર્યા હતા. આ તેની લીગમાં 21મી ફિફટી હતી. તે સુનિલ નારાયણની બોલિંગમાં LBW થયો હતો. અગાઉ તેનો સાથી ફાફ ડુ પ્લેસીસ શિવમ માવીની બોલિંગમાં કીપર કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 10 બોલમાં 3 ફોરની મદદથી 17 રન કર્યા હતા. જ્યારે, અંબાતી રાયુડુ 30 રને નાગરકોટીની બોલિંગમાં લોન્ગ-ઓન પર શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો.

કોલકાતા નાઈટ રાઇડર્સ ચેન્નાઈ સુપરકિંગ્સ સામે અબુ ધાબીમાં 20 ઓવરમાં 167 રને ઓલઆઉટ થયું હતું. કોલકાતા માટે ઓપનર રાહુલ ત્રિપાઠીએ સર્વાધિક 81 રન કર્યા. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક પાર કરી શક્યો નહોતો. ચેન્નાઈ સુપરકિંગ્સ માટે ડ્વેન બ્રાવોએ 3 વિકેટ, જ્યારે સેમ કરન, શાર્દુલ ઠાકુર અને કર્ણ શર્માએ 2-2 વિકેટ લીધી હતી ઓપનર રાહુલ ત્રિપાઠીએ ઓપનિંગની તકનો ફાયદો ઉઠાવતા 51 બોલમાં 8 ફોર અને 3 સિક્સની મદદથી 81 રન કર્યા હતા. આ તેની લીગમાં પાંચમી ફિફટી હતી. તે બ્રાવોની બોલિંગમાં શોર્ટ-થર્ડ મેન પર વોટ્સનના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે અગાઉ ઓઇન મોર્ગન અને આન્દ્રે રસેલ જેવા હીટર્સે નિરાશ કર્યા હતા. મોર્ગન 7 રને સેમ કરનની બોલિંગમાં ધોની દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછી રસેલ પણ સસ્તામાં આઉટ થયો હતો. તે 2 રને શાર્દુલ ઠાકુરની બોલિંગમાં ધોની દ્વારા કેચ આઉટ થયો હતો.

સુનિલ નારાયણ કર્ણ શર્માની બોલિંગમાં બાઉન્ડ્રી પર જાડેજા તથા ડુ પ્લેસીસની જોડી દ્વારા કેચ આઉટ થયો હતો. જાડેજાએ ડીપ મિડવિકેટ પર ડાઇવ લગાવીને કેચ કર્યો અને બેલેન્સ જાળવી રાખતા બાઉન્ડ્રીની અંદર રહેતા ડુ પ્લેસીસને બોલ ફેંક્યો હતો. નારાયણે 9 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 17 રન કર્યા હતા. શુભમન ગિલ શાર્દુલ ઠાકુરની બોલિંગમાં ધોની દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 12 બોલમાં 1 ફોરની મદદથી 11 રન કર્યા હતા. તે પછી નીતીશ રાણા 9 રને કર્ણ શર્માની બોલિંગમાં જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો.

કોલકાતાએ ટોસ જીતીને બેટિંગ લીધી IPL 2020ની 21મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે અબુ ધાબી ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. કોલકાતાએ લીગમાં 69 મેચ પછી ટોસ જીત્યા બાદ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લે તેમણે ટોસ જીતીને બેટિંગ લીધી હોય, તેવું પણ મે 2015માં બન્યું હતું. ​​​​​કોલકાતાએ પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે ચેન્નાઈએ પોતાની ટીમમાં એક બદલાવ કરતા પિયુષ ચાવલાની જગ્યાએ કર્ણ શર્માને પોતાની ટીમમાં સ્થાન આપેલ છે.

-ખાસ સૂત્રો અનુસાર