કચ્છની પોસ્ટ ઓફિસોમાં સર્વર ખોરવાઇ જવાથી, લોકો હેરાન-પરેશાન


ડિજિટલ ભારત અને ડિજિટલ ગુજરાતની મોટી મોટી વાતો વચ્ચે ભુજની વડી ટપાલ કચેરી સહિત કચ્છની પોસ્ટ ઓફિસોમાં વારંવાર સર્વર અને ઇન્ટરનેટ ખોરવાઇ જવાના બનાવોને પગલે ખાતેદારો અને એજન્ટો હેરાન થયા છે. ખુદ ટપાલ તંત્ર પણ આ સમસ્યા કબૂલીને ઉચ્ચ સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી હોવાનું કહે છે. ગ્રામ્ય ડાક કચેરીઓ હોય કે ભુજની મુખ્ય ટપાલ કચેરી હોય, સર્વર અને નેટ વારંવાર ખોરવાઇ જતાં લોકોના કામ અટકી પડે છે. કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અત્યંત જરૂરી છે પણ વારંવાર નેટ ખોરવાઇ જતાં લોકોના કામ લંબાય છે અને પોસ્ટ ઓફિસોમાં પણ લાચાર લોકોએ લાંબી લાઇનો કરવી પડે છે. અનેક કચેરીઓમાં મોડેમ ખરાબ થઇ ગયાની સમસ્યાઓ હોય છે. ક્યાંક વાયરોની સમસ્યા છે તો દેશની પોસ્ટ ઓફિસોને કોર બેન્કિંગ વ્યવસ્થાથી જોડતી ફિનેકલ સિસ્ટમના સર્વરની પણ ભારે સમસ્યા રહે છે. ઇન્ફોસીસ દ્વારા ફિનેકલ સિસ્ટમ વિકસાવવામાં આવી છે પણ જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશભરની પોસ્ટ ઓફિસોમાં યોગ્ય રીતે કામ કરવાની તેની ક્ષમતા નથી. તેનું સર્વર વારંવાર ખોરવાઇ જાય છે. ભુજની વડી ટપાલ કચેરીએ જ થોડા દિવસમાં ત્રણ વાર સેન્ટ્રલ સર્વર સદંતર ખોરવાયેલું રહ્યું હતું.5 મી ઓક્ટોબરે પણ આવો જ તાલ સર્જાયો હતો. બેશક પોસ્ટના કર્મચારીઓ સહકારભર્યો અભિગમ બતાવે છે પણ વારંવાર કામ ખોરવાઇ જતાં લોકો પરેશાન છે. આ સંદર્ભમાં જિલ્લાના ડાક અધીક્ષક મહેશ પરમારનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, “આ સમસ્યા ઘણી કચેરીઓમાં છે. ખાસ કરીને 11થી 2 વચ્ચે સર્વર ખોરવાઇ જાય છે. મુખ્ય ઓફિસમાં ફિનેકલને લીધે નેટ ધીમું ચાલવાનો પણ પ્રશ્ન છે. મેં ઉપર રજૂઆત કરી છે. ટૂંક સમયમાં તેના ઉકેલની આશા છે. “દરમ્યાન, આ સંદર્ભમાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા કહે છે કે, “પોસ્ટ ઓફિસોમાં સર્વર અને નેટ ખોરવાઇ જવાના મુદ્દે હું પણ ઉપર રજૂઆત કરીશ. હકીકતમાં અહીંના અધિકારીએ આ મામલે મારું ધ્યાન દોરવું જોઇએ. તેમનો અભિગમ પ્રજાલક્ષી નથી.”
-મળતી માહિતી