વીરપુરનું જલારામ મંદિર દર્શનાર્થીઓ માટે આજથી ખુલ્લુ, ભાવિકોમાં હર્ષની લાગણી

મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા વીરપુરનું જલારામ મંદિર 8 દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજથી ભાવિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. સરકારી ગાઈડલાઈનનુ ચૂસ્તપણે પાલન સાથે ભાવિકો જલારામ બાપાનાં દર્શન કરી શકશે. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલ માનકેશ્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલય પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવવું ફરજિયાત છે. ત્યાર બાદ સેનિટાઈઝ ચેમ્બરમાં સેનિટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આ સાથે મંદિરમાં માસ્ક બાંધવું ફરજિયાત કરવામાં આવ્યું છે. બાપાના દર્શન સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી થઈ શકશે. કોરોના સંક્રમણને કારણે મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર થાય નહીં તે માટે મંદિર દ્વારા અગાઉ પણ 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિ ગંભીર હોવાથી ફરી આઠ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

-મળતી માહિતી