શૂન્ય નળ જોડાણથી સો ટકા નળ જોડાણ ધરાવતાં ગામો બન્યાં પાણીથી લીલાલેર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પાણી પૂરવઠા વિભાગ અને ‘વાસ્મો’ની સંયુક્તની ભાગીદારીને કારણે જિલ્લામાં જળ વ્યવસ્થાપન અને વિતરણનું વિકેન્દ્રિત માળખુ તૈયાર થયું છે. જેના સુખદ પરિણામે કરણગઢ જેવા નળકાંઠાના ગામોમાં ઘરના ફળીયા સુધી નળથી પાણી પહોચતું થયું છે.

ગામના લોકોનું કહેવું છે કે, ‘ઘરે ઘરે નળ કનેક્શન આવતા અમારે પાણીની સાથે સુખ પણ આવ્યું છે. મારા ગામની બહેનો જે તળાવે પાણી ભરવા જતી એમને હવે ઘરે બેઠા પાણી મળ્યું છે. સરકારે અનલોક ફેઝમાં કામગીરી ચાલુ રાખી ગામના ઘરોને નળવાળા કરી દીધા છે. આ ‘નળથી જળ અભિયાન’ આમ જ ચાલુ રહે ને નળકાંઠાના બધા ગામમાં લોકોના ફળીયા સુધી પાણી પહોચી જાય એવી અમરી ઇચ્છા છે.’ કરણગઢ ગામના સરપંચ સુરજબેનના આ લાગણીસભર વાક્યો નળથી જળ અભિયાનની સાર્થકતાને પ્રતિબિંબિત કરે છે.
અમદાવાદ જિલ્લાના કરણગઢ, સરગવાડા, ગણોળ, કલાણા આ એ છેવાડાના ગામો છે જે લોકડાઉન દરમિયાન શૂન્ય નળ જોડાણમાંથી સો ટકા નળ જોડાણ ધરાવતા ગામો બની ગયા છે. કરણગઢ નળ સરોવર પાસેનું ગામ છે તો સરગવાડા ભાલ પ્રદેશનું લોથલ બંદર પાસે આવેલુ, ગણોલ ધોળકા તાલુકાનું અને કલાણા સાણંદ તાલુકાનું ગામ છે. ગ્રામ પંચાયત, અને વાસ્મોના સહિયારા પ્રયાસોથી આજે અમદાવાદ જીલ્લા(ગ્રામ્ય)માં 95 % જેટલા ઘરોમાં નળથી જળ પહોચ્યુ છે. ‘જલ જીવન મિશન’ અંતર્ગત 2022 સુધીમાં ગુજરાતના 100% ઘરોને નળથી જળ પહોચાડવાનું રાજ્ય સરકારનું લક્ષ્યાંક છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાનું વહિવટી તંત્ર કાર્યરત છે.
આ સંદર્ભે વાસ્મો (વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન) ના યુનિટ હેડ આર.જે. બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લાના 9 તાલુકા પૈકી બાવળામાં 86.62%, દસ્ક્રોઇમાં 98.68%, દેત્રોજમાં 99.19%, ધંધુકામાં 96.26%, ધોલેરામાં 85.52%, ધોળકામાં 96.59%, માંડલમાં 99.47%, સાણંદમાં 92.20% અને વિરમગામમાં 89.18% ઘરોમાં નળથી જળ ઉપલબ્ધ છે. હાલ અમદાવાદ જિલ્લાના 364 ગામો 100% ઘરોમાં નળ જોડાણ ધરાવે છે. બાકી રહેતા 120 ગામડામાંથી 39 ગામોને 100% નળ જોડાણ ધરાવતા કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રાંટની ફાળવણી ગત બુધવારે કરવામાં આવી છે. બ્રહ્મભટ્ટે ઉમેર્યું કે નવેમ્બર 2021 સુધીમાં અમદાવાદ જિલ્લો 100% ઘરોમાં નળ જોડાણ ધરવતો બને તે મુજબનું આયોજન છે.
કરણગઢ ગામના રહેવાસી રામજીભાઇ કહે છે કે ‘મારો જન્મ જ આ ગામમાં થયો છે. વર્ષોથી ગામની મહિલાઓ ગામની ભાગોળે કુવામાંથી કે તળાવ પરથી પાણી લાવતી હતી. ‘વાસ્મો’ એ ગ્રામસભામાં આવી પાણીની વિતરણ વ્યવસ્થા ઉભી કરવાની વાત કરી. લોકફાળો અને સરકારની ગ્રાંટમાંથી એમ 5.32 લાખના ખર્ચે ગામના 145 ઘરોને નળ કનેક્શન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ‘જલ જીવન મિશન’ નું લક્ષ્યાંક 100% ઘરોને નળથી જળ 2024 સુધીમાં પૂર્ણ કરવાનું છે. પરંતુ રાજ્ય સરકારે જે આગોતરું આયોજન કર્યું છે તેના પરિણામે બે વર્ષ વહેલું એટલે કે 2022માં જ ગુજરાત આ લક્ષ્યાંક પૂર્ણ કરી દેશે.
-મળતા અહેવાલ પ્રમાણે