આદિપુરમાં પાંચ શકુની શિષ્યો જુગાર રમતા પકડાયા

કચ્છના જોડિયા શહેર ગણાતા આદિપુરના નવવાળી વિસ્તારમાં અંબે માતાજીના મંદિરની નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ શકુની શિષ્યોની અટકાયત કરી પોલીસે રોકડ રૂા. ૧૧,૭૧૦ જપ્ત કર્યા હતા.આદિપુરના નવવાળી વિસ્તારમાં આજે સાંજે પોલીસે છાપો માર્યો હતો તે દરમિયાન અહીં આવેલા અંબે માતાના મંદિર પાસે જાહેરમાં અમુક શખ્સો ગોળ કુંડાળું વાળી પત્તાની જુગાર રમી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી અને જુગાર રમતાં સુરેશ શોભરાજમલ નાથાણી, મહેશ ખેમચંદ આસનાણી, તુલસી હિરાનંદ ચાવલા, સતીશા હરજી માલી તથા ચંદન જીવતરામ મીરપુરી (સિંન્ધી) નામના આરોપીઓને પકડી પાડ્યા હતા. જાહેરમાં પત્તાનો જુગાર રમતા આ ખેલીઓ પાસેથી રોકડા રૂા. ૧૧,૭૧૦ હસ્તગત કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા તેમને પાંજરે પુરાવામાં આવ્યા હતા.

-માહિતી અનુસાર