દાણીલીમડામાં 6,000 બોટલ ઇંગ્લિશ દારૂનું રેકેટ પકડતા 3ની ધરપકડ

લોકડાઉનના કારણે કેટલીક ગેરકાનૂની પ્રવૃતિઓ વધી રહી છે. તથા ગુજરાત રાજયમાં દારૂ પ્રોહિબિટેડ હોવા છતાં લોકો તેનો ધંધો કરી મોટા પાયે રેકેટ ચલાવતા હોય છે ત્યારે હાલમાં લોકડાઉન દરમ્યાન ત્રણ લોકો ભેગા મળીને દારૂનો ધંધો કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે આરોપીઓ આખા ગોડાઉન રાખીને દારૂનો સ્ટોક રાખવા લાગ્યા હતા. સતત ગોડાઉન બદલતા રહેતા દારૂના વેપારીઓને PCBએ દાણીલીમડા ખાતે રેડ કરીને ઝડપી લીધા છે. જ્યારે આરોપીઓ નાના બૂટલેગરને ડિલિવરી આપવા જતા હતા ત્યારે સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હોવાનું સામે આવ્યું છે. હવે આખા અમદાવાદમાં દારૂના કેરિયરની વિગત બહાર આવે એવું પોલીસ માની રહી છે.

દારૂના ધંધામાં બૂટલેગરના અવનવા કિસાઓ સામે આવી રહ્યા છે ત્યારે હવે બૂટલેગર પણ ઇન્ડસ્ટ્રીઝની જેમ એસ્ટેટમાં ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો મૂકવા લાગ્યા હતા. ત્યાર બાદ તેઓ રિક્ષા, બાઇક કે જે સાધન મળે એના વડે બિનધાસ્ત દારૂની ડિલિવરી શહેરમાં કરતા હતા. PCBની ટીમને બાતમી મળી હતી કે અલ કુબ એસ્ટેટ દાણીલીમડામાં એક ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો પડ્યો છે, જેથી PCBની ટીમે રેડ પાડતા પોલીસને જે બાતમી હતી તેના કરતાં બહુ મોટો દારૂનો જથ્થો ત્યાં મળી આવ્યો હતો.પોલીસને આ ગોડાઉનમાંથી 6,000થી વધુની દારૂની બોટલ મળી આવી હતી. આ દારૂ રાખવા માટે આરોપીઓએ 1 દિવસ પહેલાં જ ગોડાઉન ભાડે રાખ્યું હતું. આ પહેલાં તેઓ લોકડાઉન સમયથી આ રીતે બે-ત્રણ દિવસ માટે અલગ અલગ જગ્યાએ દારૂનો જથ્થો રાખવા માટે ગોડાઉન ભાડે રાખતા હતા.

આ સમગ્ર રેકેટમાં પોલીસે ઇસતીયક સૈયદ, વિવેક સંઘાણી, અને મુસ્તાક શેખની ધરપકડ કરી છે, જ્યારે આ પ્રકરણમાં ઈલિયાસ સૈયદ હજી વોન્ટેડ છે, જેની પાસેથી અમદાવાદના દારૂના સમગ્ર વિસ્તરના પાનાઓની વિગતો જાણવા મળશે, એવું તપાસ એજન્સી પાસેથી જાણવા મળી રહ્યું છે.

-સૂત્રો અનુસાર