સુરતની ફેશન ડિઝાઇનર યુવતીએ ૧૦૦૦૦ દીવા રંગરોગાન કરાવી ૨૦૦ જેટલી મહિલાઓને આપી રોજગારી, ગોલ્ડન બૂક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન મહિલાઓને આર્ત્મનિભર કરવાનો હેતુ


સુરતની ફેશન ડિઝાઇનર ડો. હિના મોદી દ્વારા મહિલાઓને પગભર તથા આર્ત્મનિભર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. ૧૦ હજાર દીવડાઓ ઉપર રંગ રોગાન કરાવી ૨૦૦ જેટલી મહિલાને રોજગારી આપવામાં આવી છે. આ સાથે દીવાઓ ઉપર પેઈન્ટ કરવાને લીધે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે. ડો. હિના મોદી દ્વારા જણાવાયુ હતું કે “૪.૫ લાખના ખર્ચે આ ૧૦ હજાર દીવા બનાવવામાં આવ્યા છે, જેમાં મહિલાઓની રોજગારી પણ આવી જાય છે. હવે ડિસેમ્બરમાં રણોત્સવમાં સ્ટોલ કરી ઇન્ડિયન આર્ટના નામે ઓછામાં ઓછા નફાએ વેચાણ કરીશું.”
દિવાળી આમ તો પ્રકાશનું પર્વ માનવામાં આવે છે અને દીવડાઓ વિનાની દિવાળી તો જાણે અધૂરી હોય એવું લાગે ત્યારે સાથોસાથ કોરોનાકાળની આ પરિસ્થિતિમાં પોતાના કારીગરોના જીવનમાં કામ ન રહેતાં અંધારું ના છવાઈ જાય એ હેતુ સાથે સુરતની ફેશન ડિઝાઈનર ડો. હિના મોદી દ્વારા દીવડાઓ પેઇન્ટ કરાવી પગભર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ સુધીમાં ૧૦ હજારથી વધુ દીવડા થકી ૨૦૦ જેટલી મહિલાઓએ રોજગારી મેળવી છે અને ૨૫ હજાર જેટલા દીવડા પેઇન્ટ કરવાનો તેમનો લક્ષ્ય છે . આ માટે એમને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

ફેશન ડિઝાઇનર ડો. હિના મોદીએ જણાવ્યું હતું કે “બે મહિનાથી આ માટે કામગીરી ચાલી રહી હતી, જેમાં ૨૦૦ મહિલાઓને જોડવામાં આવી હતી. ૨૦૦ મહિલાને રોજગારી રૂપે ૨.૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. હવે ૨૫ હજાર દીવડાઓ બનાવવાનો ટાર્ગેટ છે. અત્યારસુધીમાં આ દીવડાઓ બનાવવામાં કુલ ૪.૫ લાખનો ખર્ચ થયો છે”
મહિલાઓની મદદ કરવા માટે ડો. હિના મોદી દ્વારા એકવેરિયન્સ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેના અંતર્ગત આ પ્રોજેક્ટ સાથે ૨૦૦થી વધુ મહિલાઓ જોડાઈ હતી. આ દીવાઓ પોઝિટિવિટી આપે છે, કારણ કે તેમાં ચાર ખૂણાઓની સ્પેશિયલ ડિઝાઈન બનાવવામાં આવી છે. ૨ મહિનામાં ૧૦ હજાર દીવા પેઈન્ટ થઈ ચૂક્યા છે. ૮૮૨૦ એકસરખા પેઈન્ટિંગવાળા દીવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ દીવાઓ હવે કોર્પોરેટ કંપનીમાં દિવાળીની ગિફટ તરીકે આપવામાં આવશે. હવે ૨૫ હજાર દીવા પેઈન્ટ કરવાનો ટાર્ગેટ તેમના દ્વારા રાખવામા આવ્યો છે.
-સૂત્રો અનુસાર