ગોતામાં પુત્રવધૂએ સાસુની લોખંડનો સળિયો મારી હત્યા કરી સળગાવવાનો પ્રયાસ કર્યો, સાસુ-વહૂમાં વારંવાર થતાં ઝગડાથી વહુ ઉશ્કેરાઈને કર્યા ઘાત


કેટલીક વખત નાના-અમથા ઝગડાઓ મોટું સ્વરૂપ લઈ લેતા હોય છે અને આવેશમાં આવીને ખૂની ખેલ ખેલાતો હોય છે. એવુજ અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં સત્યમેવ વિસ્ટા સામે આવેલા રોયલ હોમ્સમાં ઘરકંકાસમાં પુત્રવધૂએ સાસુની હત્યા કરી અને લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લેતાં ઉશ્કેરાયેલી પુત્રવધૂએ સાસુના માથામાં લોખંડનો સળિયો મારી દીધો હતો, જેને કારણે જમીન પર લોહીનાં ખાબોચિયાં ભરાયાં હતાં અને ઘરની દીવાલો લોહીથી ખરડાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી ગઈ હતી અને હત્યાનો ગુનો નોંધી પુત્રવધૂની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનામાં વિગતો એવી છે કે ગોતાના સત્યમેવ વિસ્ટા સામે આવેલા રોયલ હોમ્સમાં રહેતાં રેખાબેન રામનિવાસ અગ્રવાલના પુત્ર દીપકના લગ્ન 10 મહિના અગાઉ નિકિતા ઉર્ફે ન્યારા સાથે થયા હતા. લગ્ન થયાના શરૂઆતના મહિનાથી પુત્રવધૂ નિકિતા અને સાસુ રેખાબેન વચ્ચે નાના-મોટા બોલાચાલી, તકરાર અને ઝગડા થતાં હતાં. અવારનવાર ચાલતી આ તકરાર અને સામાન્ય બોલાચાલીએ મંગળવારે રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મંગળવારે રાત્રે પુત્રવધૂ નિકિતા અને સાસુ વચ્ચે બોલાચાલી એ હદે ઉગ્ર થઇ ગઇ હતી કે ઉશ્કેરાયેલી નિકિતાએ સાસુ રેખાબેનને લોખંડના સળિયા વડે માથામાં ફટકા માર્યા હતા. ગુસ્સે ભરાયેલી નિકિતાએ એ હદે માથામાં ફટકા માર્યા હતા કે ઘરની દીવાલોમાં ચારે તરફ લોહીના ડાઘા પડ્યા હતા. જમીન પર પણ જ્યાં જુઓ ત્યાં લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. પુરાવાનો નાશ કરવા માટે નિકિતાએ રેખાબેનની લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પણ તે જ સમયે પોલીસ પહોંચતા નિકિતા નાકામ રહી તેની આરોપી નિકિતાની અટકાયત કરી છે અને મૃતક રેખાબેનની લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
-માહિતી અનુસાર