ઉદ્યોગપતિ દિલીપ તંતી પર 8 શખ્સનો હુમલો કરતાં સ્વબચાવમાં તંતીએ ફાયરિંગ કર્યું

રેસકોર્સ રિંગ પરના વિઠલ એપાર્ટમેન્ટમાં રહેતા ઉદ્યોગપતિ દિલીપભાઇ ભીખાભાઇ તંતી (ઉ.વ.54) રવિવારે રાત્રે પોતાની કાર લઇને પાળ ગામે આવેલી પોતાની વાડીએ ગયા હતા. ત્યારે વાડીની દીવાલ પાસે બે અજાણ્યા શખ્સો ઊભેલા દેખાતા દિલીપભાઇએ કાર ઊભી રાખી અહીં શું કરો છો?, કોની વાડીમાં કામ કરો છો? એવું પૂછતાં બોલાચાલી થઇ હતી, થોડી રકઝક બાદ બંને શખ્સ નાસી ગયા હતા, જોકે ત્યારબાદ મવડીના પરષોત્તમ સોરઠિયા, તેના બે પુત્ર અને જમાઇ સહિત આઠેક શખ્સ તલવાર, ધોકા, કોદાળી સહિતના હથિયારો સાથે ધસી ગયા હતા અને દિલીપભાઇ પર તૂટી પડ્યા હતા. બેફામ બનેલા હુમલાખોરોએ દિલીપભાઇની કારમાં પણ ધોકા તલવારના ઘા ઝીંકી કારમાં નુકસાન કર્યું હતું.

સૂત્રો અનુસાર હિંસક બનેલા હુમલાખોરોએ તલવાર ધોકાના આડેધડ ઘા ઝીંકતા મામલો રાજકયું હતું, આ સ્થિતિ કાબૂ બહાર જતા દિલીપભાઇએ પોતાના પરવાનાવાળા હથિયારમાંથી બે રાઉન્ડ ફાયર કરતાં હુમલાખોરો નાસી ગયા હતા. હુમલાને કારણે હાથમાંથી લોહી નીકળવા લાગતા દિલીપભાઇએ તેમના મિત્રને ફોનથી જાણ કરતાં તેઓ વાડીએ દોડી ગયા હતા અને તેમણે દિલીપભાઇને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવની જાણ થતાં લોધિકા પોલીસ સ્ટેશનના PSI ધાંધલ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો, પોલીસે દિલીપભાઇ તંત્રીની ફરિયાદ પરથી 8 શખ્સ સામે હત્યાની કોશિશ, રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. સામાપક્ષે એક વ્યક્તિ પણ હોસ્પિટલ પહોંચ્યો હતો અને તેણે દિલીપભાઇ સામે હુમલાનો આક્ષેપ કર્યો હતો. વધુ તપાસ પોલીસે હાથ ધર્યું છે…

-સૂત્રો અનુસાર