પાટણ, પાલનપુર, ગાંધીનગર મહેસાણાના સિનિયર ઇન્સ્પેકટરોની ટિમ દ્વારા ભુજ આરટીઓ કચેરીમાં કરાઇ ઓંચિંતી તપાસ

પાટણ, મહેસાણા, પાલનપુર અને ગાંધીનગર પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીના સિનિયર ઇન્સ્પેકટરોની એક સંયુકત ટીમ કમીશ્નર ઓફ ટ્રાન્સપોર્ટના નેજા હેઠળ વહેલી સવારે ભુજની આરટીઓમાં ઓચિંતા આવતા લોકોમાં હલચલ મચી ગઇ હતી, એજન્ટ પ્રથા નાબુદ હોવા છતાં ત્યાં ચક્કર મારતા નજરે ચડેલા બે એજન્ટ સહિત ચારની અટકાયત કરી બી-ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા. ભુજની આરટીઓમાં લાખો રૂપીયાની ટેક્સ ચોરી, બોગસ હેવી લાઇસન્સ તેમજ એઝાર્ડ લાઇસન્સના અનેક કૌભાંડ થઇ ચુકયા છે ત્યારે હાલ થોડાક દિવસોથી કચેરીની અંદર એજન્ટનો પ્રવેશવા પર મનાઇ ફરમાવી દેવાઇ છે અને કંપાઉન્ડમાં કોઇ બંધીઝડ રખાઇ નથી. સવારે દસ વાગ્યાના અરસામાં ભુજની કચેરીમાં કમીશ્નર ઓફ ટ્રાન્સપોર્ટ (સીઓટી)ના નેજા હેઠળ ચાર જિલ્લાના સિનિયર ઇન્સ્પેકટરની ટીમે તપાસ માટે ધામા નાખ્યા હતા. આખો દિવસ કચેરીમાં કોઇ એજન્ટ કે અરજદાર ફરકયા ન હતા અને અધિકારી-કર્મચારીઓ ટીમ તરફથી માંગવામાં આવતા દસ્તાવેજો અને કાગળોની શોધખોળમાં જ રચ્યા પચ્યા રહ્યા હતા. લાઇસન્સ માટેના ટેસ્ટ ટ્રેક પર અરજદારોની એપોઇન્ટમેન્ટ હોવાથી ત્યાં કામગીરી ચાલુ રખાઇ હતી, બાકી કચેરી સુનકાર મચી ગઈ હતી. આજે પણ તેઓ કચ્છમાં જ રહેશે અને ભુજ કે ગાંધીધામની કચેરીમાં તપાસ કરશે એવી માહિતી મળવા પામી હતી . ” કમિશનર કક્ષાએથી આવેલી ટીમ ડીએમ સીરીઝ ટેક્સ કૌભાંડ તેમજ એઝાર્ડ લાઇસન્સની તપાસ માટે આવી હોવાનું આરટીઓ” સી. ડી. પટેલે જણાવ્યું હતું. અનેક જુના કૌભાંડની તપાસ માટે તેમણે મુલાકાત લીધી હોવાનું પણ કહ્યું હતું. કમીશ્નર ઓફ ટ્રાન્સપોર્ટમાંથી ગાંધીનગર, પાલનપુર, પાટણ અને મહેસાણાની આરટીઓમાં ફરજ બજાવતા સિનિયર ઇન્સ્પેકટરોને વહેલી સવારે છ વાગ્યે કચ્છ બહાર એક સ્થળે પહોંચી આવવા ઓર્ડર કરાયો હતો, કયા જવાનું છે અને શું કરવાનું છે તે અંગે કાંઇ પણ કહ્યા વગર બોલાવી લેવામાં આવ્યા હતા. બાદમાં સવારે છ વાગ્યે તેઓને કચ્છ જવાનું કહેવાયું હતું, બાદમાં ટીમને ગાંધીધામ જવા કહેવાયું હતું અને ત્યાંથી સીધા ભુજની કચેરીએ સરપ્રાઈઝ વિઝિટ કરવાનું કહેવાયું હતું. ટીમમાંથી કોઇ સિનિયર ઇન્સ્પેકટરને પણ કહેવામાં આવ્યું ન હતું કે કયા ચેકિંગ કરવા જવાનું છે. ભુજની આરટીઓમાં ટીમ પહોંચી ત્યારે ત્યાં આંટામારતા નઝરે ચડેલા સલમાન અનવર સમા, ઇશ્વર ભાનુશાલી, ઓમગીરી ગોસ્વામી અને પનુભા દલડની અટકાયત કરી બી-ડિવીઝન પોલીસની મોબાઇલ બોલાવી તેમની સામે ગુનો નોંધાવવા તપાસ હાથ ધરાઇ હતી. એજન્ટપ્રથા નાબુદ હોવા છતાં આ લોકો ત્યાં ફરતા દેખાયા હોવાથી તેમના સામે જાહેરનામા ભંગના ગુનો નોંધવા માટે અટકાયત કરાઇ હતી. પીઆરઓ હરીભાઇ ચૌધરી અને ઇન્સ્પેકટર એચ. એમ. ચૌધરી બી-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. જો કે, સલમાન સમા પાસે રેડીયમ અને કવરપ્લેટ લગાવવા માટે એવરી કંપનીની ડિલરશીપ છે તો ઇશ્વર ભાનુશાલી બી.મંગતરામ શોરૂમના ઓથોરાઇઝડ પર્સન છે. આરટીઓમાં ફોલ્ડર રાજ અને અનેક કથિત વ્યક્તિઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યા છે તે વાત નવી નથી, તો ટેક્સ કૌભાંડ, બોગસ લાઇસન્સ કૌભાંડ, ચોરીના વાહન પાસિંગ મુદ્દે અનેક વખત કચેરી ચર્ચામાં રહેતી હોય છે. દામજી આહીર – ભુજ અને મહમદ સમા – નખત્રાણા વાળા શખ્સોએ કમીશ્નર ઓફીસમાં ભુજની આરટીઓમાં થતી ગેરરિતી અંગે ઓગસ્ટ મહિનામાં અરજી કરી હતી જેના અનુસંધાને ચેકિંગ કરવામાં આવી છે તેવી વાત વહેતી થઇ હતી. જો કે, આ બંને અરજીઓમાં નામ, સરનામા ટુંકા દર્શાવાયા હતા તેવું જાણવા મળ્યું હતું.
– સૂત્રો અનુસાર