રાપરના પ્રાગપર પાસે ફરજ પરથી પરત જતાં ફોરેસ્ટર ઉપર થયો જીવલેણ હુમલો કરી 48 હજારની લૂંટ

કચ્છ જીલ્લામાં હાલ ચોરી, લૂંટફાટ ના બનાવો સતત વધતાં રહે છે ત્યારે વધુ એક બનાવ રાપર તાલુકાના પ્રાગપર ગામ નજીક ફોરેસ્ટર ઉપર બે અજાણ્યા ઇસમોએ જીવલેણ હુમલો કરી ને 48 હજાર રોકડ અને એક મોબાઇલની લૂંટ કરી હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે. રાત્રે 8 વાગ્યાના અરસામાં બનેલી ઘટના વિષેની માહિતી પ્રમાણે રાપર તાલુકાના વલ્લભપર ગામના વતની નારણભાઈ સવાભાઈ પરસોન્ડ કોલી ફોરેસ્ટર તરીકે ભચાઉ તાલુકાના ચોબારી રેન્જમાં ફરજ બજાવે છે જેઓ ચોબારીથી ફરજ પુરી કરીને ભચાઉ બેન્ક માંથી પોતાનો પગાર રૂ. 48000 ઉપાડીને પોતાની બોલેરો ગાડીમાં ભચાઉ થી ચિત્રોડ-સઈ રોડ પર તેમના ગામ વલ્લભપર જઈ રહ્યા હતા ત્યારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં પ્રાગપર ગામની સેતુ સંસ્થા નજીક બે અજાણ્યાં યુવકોએ છરી અને લાકડી દ્વારા હુમલો કર્યો હતો જેમાં ફોરેસ્ટર નારણભાઈ ઉપર બન્ને યુવકો દ્વારા પીઠના ભાગે,માથાના ભાગે લાકડીથી માર મરાયો હતો અને હાથની આંગળીઓમાં છરી મારીને બોલેરો ગાડીમાં પડેલ રૂ.48000 હજાર રોકડા અને એક મોબાઈલ ફોન લઈ ને ભાગી ગયા હતા. સરકારી કર્મચારી ઉપર હુમલો થતાં સગાંવહાલાં અને બીજા સાથી કર્મચારીઓ રાપર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતા. તો સરકારી કર્મચારી ઉપર લૂંટ અને જીવલેણ હુમલો થતા રાપર પોલીસ બેડામાં ચકચાર સાથે દોડધામ મચી જવા પામી હતી. હાલ ઇજાગ્રસ્ત ફોરેસ્ટ કર્મીને સારવાર હેઠળ હોસ્પીટલમાં ખસેડાયા છે.
-સૂત્રો અનુસાર