કચ્છ થી બંગાળની ટ્રેનને ફરી અપાઈ લીલી ઝંડી.
રેલવે મંત્રાલય દ્વારા અનલોકના તબક્કામાં ગાંધીધામ થી દોડતી લાંબાં અંતરની ત્રણ ટ્રેન પૂજા સ્પેશિયલ શ્રેણીમાં દોડાવવાનું શરૂ થયા બાદ આગામી તા. 14થી કચ્છને પશ્ચિમ બંગાળથી જોડતી ટ્રેન સ્પેશિયલ શ્રેણીમાં દોડાવવા નિર્ણય લેવાયો છે. રેલવેનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ, 09437 નંબરની ગાંધીધામ- હાવડા ટ્રેન શનિવારે તા. 14ના ગાંધીધામથી અને 09438 નંબરની હાવડા-ગાંધીધામ ટ્રેન તા. 16ના હાવડાથી શરૂ થશે. આ સ્પેશિયલ ટ્રેનમાં સેકન્ડ એસી એક, થર્ડ એસીના પાંચ, સ્લીપરના 11 અને જનરલ સેકન્ડ કલાસના ચાર અને બે એસ. એલ. આર. સહિત 23 કોચની રેક સાથે ટ્રેન દોડશે. બન્ને દિશામાં સામખિયાળી, ધ્રાંગધ્રા, અમદાવાદ, છાયાપુરી, ગોધરા, રતલામ, કોટા, શ્રી મહાબીરજી, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શન, સાસારામ, ગયા, ધનબાદ, આસનસોલ સહિતનાં સ્ટેશને થોભશે. રેગ્યુલર ટ્રેનની સરખામણીમાં આ ટ્રેનના 6 સ્ટોપેજ હાલ રદ્દ કરવામાં આવ્યાં છે. ટ્રેનની સમયસારણી અગાઉ મુજબની જ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગાંધીધામ-તિરૂનલવેલી, ગાંધીધામ-ભાગલપુર અને ગાંધીધામ-બેંગ્લોર ટ્રેનને પૂજા સ્પેશિયલ તરીકે દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેનોની ટ્રીપ નિર્ધારિત કરવામાં આવી છે. જ્યારે ગરબા એક્સપ્રેસ સ્પેશિયલ તરીકે જ્યાં સુધી બીજી કોઈ સૂચના ન આવે ત્યાં સુધી દોડશે. વધુ એક લાંબાં અંતરની ટ્રેન શરૂ થતાં બહારના રાજ્યોના લોકોને વતનમાં જવામાં રાહત થશે
-મળતી માહિતી