દિવાળીના તહેવાર પર રાશનકિટ, મીઠાઇ-ફરસાણનું વિતરણ

 દિવાળી તહેવાર પર જરૂરતમંદોને મીઠાઈ-ફરસાણ, રાશનકિટના વિતરણ કાર્યો કરી વિવિધ સ્થળે સંસ્થાઓએ માનવતા બતાવી હતી. ભુજના નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે મહાવીર પ્રભુના 2547મા નિર્વાણ કલ્યાણકની સાપ્તાહિક ઉજવણી અંતર્ગત દાતા શશિકાંતભાઈ મોરબિયાના સહયોગથી ભુજના વિવિધ વિસ્તારોમાં 400 જેટલા ગરીબ પરિવારોની વચ્ચે જઈને શુદ્ધ ઘીની મીઠાઈ, ફરસાણના બોક્સ, નવાં વસ્ત્રની સોગાદ સાથે દિવાળીની શુભેચ્છા આપી હતી. પ્રમુખ વી.જી. મહેતાની રાહબરી હેઠળ પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, રાજેશ સંઘવી, નિવૃત્ત પી.આઈ. પરમારભાઈ વગેરે કાર્યકરો જોડાયા હતા. અંજારમાં વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ કચ્છમાં અનેક જગ્યાએ સેવા વસ્તીમાં જઈ મીઠાઈ-ફરસાણ, ફટાકડાનું વિતરણ કરાયું હતું. જિલ્લા મંત્રી મહાદેવભાઈ વીરા, જગદીશભાઈ સોરઠિયા, રાજનભાઈ જોશી, હાર્દિકભાઈ ત્રિવેદી વગેરે લોકો જોડાયા હતા તો આદિપુરમાં સિંધી સેવા મંચ પરિવાર તથા સનસાઈન ટ્રસ્ટના સંયુક્ત સહકાર થકી દિવાળી નિમિતે 50 વિધવા બહેનોને રાશનની કિટ તેમજ મીઠાઈની ભેટ અપાઈ હતી. સનસાઈનના સંસ્થાપકો નરેશ બુલચંદાણી, સુરેશ નિહલાણી તથા હરેશ હિંગોરાણીએ આ બહેનોને મિઠાઈનું વિતરણ કર્યું હતું. તો સિંધી સેવા મંચના ગુલાબ ગિદવાણી તથા નાનકરામ આહુજાએ આ બહેનોને રાશન કિટ આપી હતી. સુરેશ માલાણી, મુકેશ લખવાણી, મહેશ ધનસુખાણીએ માનવતાના આ કાર્યમાં ફાળો આપ્યો હતો. આયોજનમાં નરેન્દ્ર લખવાણી, અશોક મુરજાણી, તારા માઈદાસાણી તથા અશોક માખીજાએ સાથ-સહકાર આપ્યો હતો. સંચાલન અને આભારવિધિ કમલેશ માયદાસાણીએ કરી હતી .