માસ્ક નહીં પહેરનારા લોકો દંડાયા, કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ.

દિવસેને દિવસે વધતા જતા કોરોના સંક્રમણ સામે નિયમનું પાલન ન થવાનાં કારણે તંત્ર દ્વારા કડકાઇથી તપાસ હાથ ધરી છે. માસ્ક વગર ફરતા લોકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી. સાંજે પણ મહેસૂલ પંચાયત અને પોલીસની ટીમો રસ્તા પર નીકળી હતી અને માસ્કનું વિતરણ કર્યું હતું તથા 21 જણને રૂા. 13000/- ના દંડનો ફટકારીયો હતો. પ્રાંત અધિકારીએ હવે સુધારો નહીં થાય તો ફોજદારી દાખલ કરવાની ચેતવણી આપી હતી. નખત્રાણામાં અબડાસા પેટા ચૂંટણી બાદ વધતા જતા સંક્રમણ સામે સાવચેતીનાં પગલાં માટે અહીંની મુખ્ય બજાર, બસ સ્ટેશન, વથાણ વિસ્તાર જેવા જાહેર સ્થળો પર માસ્ક વગર ફરતા લોકો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો હતો. વધતા જતા સંક્રમણ સામે કેટલાય સમયથી લોકો બેપરવાહ બની ગયા છે, નથી સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ,કે નથી માસ્ક પહેરતા , સેનેટાઇઝિંગની વાત તો બવ દૂરની છે. બજારમાં કે જાહેર સ્થળોએ લારી-ગલ્લાવાળાઓ પાસે કે શાકભાજીવાળાઓ પાસે માસ્ક વગર લોકો આરામથી ફરતા જોવા મળે છે. નાસ્તાની લારીઓ, ગૃહો કે રેસ્ટોરન્ટમાં સફાઇ છે કે નહીં તે જોવાવાળું કોઇ જ નથી, તેવું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. ખરેખર તો લોકડાઉનના સમયમાં પ્રાંત ખુદ દુકાને-દુકાને બજારમાં જઇ વેપારીઓને સૂચના આપતા કે સામાજિક અંતર જાળવો, માસ્ક પહેરો નહીં તો દંડ વસૂલ થશે, સાથે કાયદેસરની કાર્યવાહી થશે. પરંતુ આ વાત લોકો ભૂલી ગયા છે અને જાણે કોરોના છે જ નહીં તેવો લોકોમાં ડર જ નથી. પોલીસ દ્વારા બજાર અથવા જાહેર સ્થળોએ ફૂટ પેટ્રોલિંગ ગોઠવી તંત્રને સાથે રાખીને લોકોને માસ્ક વગર બહાર ન ફરવા કડક સૂચના આપવી જોઇએ તેવી માગણી ઊઠી હતી. આજની કાર્યવાહીમાં ગ્રામ પંચાયત, પોલીસે સાથે રહી દંડની કાર્યવાહી કરી છે.

-મળતી માહિતી