મહાનગરી મુંબઈમાં જવું ક્ચ્છવાસીઓને ભારે પડશે.


મુંબઇ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા કચ્છવાસીઓમાં ગુજરાત થી મુંબઇ આવતા પ્રવાસીઓ માટે મહારાષ્ટ્ર સરકારે જારી કરેલા ફરજિયાત આર.ટી.પી.સી.આર. ટેસ્ટએ ભારે ચિંતા જગાવી છે. કારણ કે કચ્છમાં એક માત્ર જી.કે. જનરલ હોસ્પિટલમાં જ આ ટેસ્ટ થાય છે અને ટેસ્ટનું રિઝલ્ટ 24 કલાક પછી આવતું હોવાથી ટેસ્ટ કરાવનારને હોસ્પિટલમાં જ એક રાત રોકાવું પડે છે. કચ્છ થી મુંબઇ જવા ઉત્સુક વર્ગમાં મહારાષ્ટ્ર સરકારના આદેશથી ભારે હલચલ મચી ગઈ છે. ભુજમાં એક દિવસમાં માંડ 150 જ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ થઇ શકે છે. વળી ટેસ્ટ માટે 24 કલાક જી.કે. જનરલ હોસ્પિટલમાં રોકાવું પડતું હોવાથી સંક્રમિત ન હોય તેવી વ્યક્તિને પણ સંક્રમણ થઇ જવાનો ભય છે. મહારાષ્ટ્ર સરકારે દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને ગોવાથી આવતા પ્રવાસીઓ 96 કલાક પહેલાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવે તેવો આદેશ કર્યો છે અને અમલીકરણ 25મી નવેમ્બરથી શરૂ થઇ જશે તેવું જણાવવામાં આવ્યું હતું. જે પ્રવાસીઓ આજે ટ્રેનમાં રવાના થવાના છે તે 96 કલાક પહેલાં ટેસ્ટ કરાવી નેગેટિવ રિપોર્ટ સાથે રાખી શકે કે ભુજમાં રોકાઇને 24 કલાક બાદ સર્ટિફિકેટ લઇ શકે એ વાતમાં માલ નથી. મુંબઇ સ્થિત કચ્છીઓની સંસ્થા કચ્છ જનજાગૃતિ અભિયાનના ઋષભ મારૂની યાદીમાં જાણવા મળ્યા અનુસાર ભુજમાં જી.કે. જનરલ હોસ્પિટલમાં ટેસ્ટ રિપોર્ટ 24 કલાક પછી મળે છે. જો ટેસ્ટ કરાવનાર નેગેટિવ હોય તો રજા મળે, અમુક અન્ય મથક પર આ ટેસ્ટ થાય છે પણ તેમાં ટેસ્ટ કરાવનાર સિમ્પ્ટમેટિક દર્દી હોય તો જ ટેસ્ટ કરાય છે, તો સમસ્યા એ સર્જાઇ છે કે ટેસ્ટ ક્યાં- કેમ કરાવવા ? તે દરમ્યાન, આ સંસ્થાના પ્રતિનિધિઓએ પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડા તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર તથા રૂબરૂ મળી કચ્છ-મુંબઇના પ્રવાસીઓ માટે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટની મંજૂરી અપાવવા રજૂઆત કરી હતી અને ચાર્જ પેટે રૂા. 2,000/-લેવાય છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. આવા પ્રવાસીઓના ટેસ્ટ માટે જનરલ હોસ્પિટલમાં અલગ સુવિધા ઊભી કરવામાં આવે અને ટિકિટ જોઇ ટેસ્ટ બાદ દાખલ ન કરવામાં આવે તેવી પણ રજૂઆત શ્રી મારૂએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કરી હતી. સાથોસાથ અબડાસા, માંડવી, મુંદરા તાલુકામાં પણ ટેસ્ટની સુવિધા ઊભી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. દર શિયાળે મુંબઇથી અનેક વૃદ્ધજનો કચ્છમાં આવતા હોય છે. વતનમાં આવેલા આ પરિવારોને પરત જતી વેળાએ કન્ફર્મ ટિકિટ એક સમસ્યા રહેતી, તેમાં આ ટેસ્ટ ઉમેરાતાં ફરી મુસીબત ઊભી થઇ છે અને કચ્છ કે મુંબઇથી એકાદ વધારાના જણને આ માટે ખાસ આવવું પડે તેવી હાલત ઊભી થઇ છે. જો તાલુકે તાલુકે ટેસ્ટની સગવડ હોય તો વૃદ્ધજનોની હાલાકી પણ ઘટે, ખાનગી લેબ.માં ટેસ્ટના દર પણ સુનિશ્ચિત કરવાની માંગ કરાઇ છે.
-મળતી માહિતી