અંજારમાં પશ્ચિમ કચ્છના પોલીસ કર્મીની ઘાતકી હત્યા નીપજાવાઈ


અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં રહેતા અને પશ્ચિમ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સાંજના અરસામાં વિજયનગરમાં ભાડે આપેલા મકાને આંટો મારવા ગયા હતા. ત્યારે ત્રણેક દિવસ અગાઉ થૂંકવા જેવી સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખીને એક ઈસમ કુહાડી ધારણ કરી પોલીસ કર્મચારી પાસે ધસી ગયો હતો અને ઉપરા છાપરી કુહાડીના ઘા ઝીંકી પોલીસ કર્મચારીને મોતને ઘાટ ઉતારી નાખતાં સનસનાટી મચી ગઈ છે.અંજાર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં આ હત્યાનો હિચકારો બનાવ બન્યો હતો. અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં રાઘવ રેસિડેન્સીમાં રહેતા અને પશ્ચિમ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા વિજય ખીમજી ચૌહાણ (ઉ.વ.૪૭) આજે ઘેર હતા. દરમિયાન સાંજના અરસામાં અંજારના વિજયનગરમાં આવેલા પોતાના અન્ય એક મકાને આંટો મારવા ગયા હતા. તેવામાં ત્રણેક દિવસ અગાઉ આરોપી સુરેશ નારણ મહેશ્વરી (ઉ.વ.૧૯) રહે, વિજયનગર સાથે થૂંકવા મુદ્દે માથાકૂટ થઈ હતી. જેનું મનદુઃખ રાખીને સુરેશ પોલીસ કર્મચારી પાસે ધસી ગયો હતો. થૂંકવા મુદ્દે અગાઉ થયેલી માથાકૂટનું મનદુઃખ રાખીને આરોપીએ પોલીસ કર્મચારી સાથે બોલાચાલી કરી હતી.પોલીસ કર્મચારી અને આરોપી વચ્ચેની બોલાચાલીએ ઉગ્ર રૂપ ધરી લીધૂ હતું, જેમાં સુરેશ ઉશ્કેરાઈ ગયો હતો અને કુહાડી ધારણ કરી પોલીસ કર્મચારી પર ઉપરા છાપરી પ્રહારો કર્યો હતો.જેથી ઘટનાસ્થળે જ ઢળી પડયા હતા. બનાવને પગલે આસપાસમાંથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને લોહીથી લથબથ હાલતમાં પોલીસ કર્મચારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર સાંપડે તે પહેલાં પોલીસ કર્મચારીએ દમ તોડી દીધો હતો. હત્યાના હિચકારા બનાવની જાણ થતાં અંજાર પીઆઈ એમ. એમ. જાડેજા સહિતનો કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. બીજીતરફ અંજારમાં પોલીસ કર્મચારીની કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા નીપજાવી દેવામાં આવતાં સનસનાટી મચી ગઈ છે.