જામનગરની 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરનારની ધરપકડ.
જામનગરની એક સગીરાને પ્રેમઝાળમાં ફંસાવી જામજોધપુરનો વ્યક્તિ તેણીને લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયા બાદ જામજોધપુર અને રાજકોટ લઇ જઇ ત્રણ વખત દુષ્કર્મ આચર્યાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરી રીમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. જામજોધપુરમાં રહેતા મનીષ ધીરૂભાઇ કારેણા નામના વ્યક્તિએ જામનગરમાં કેટરીંગનો વ્યવસાય કરતા એક આસામી સાથે કામમાં જોડાયા હતો. કેટરીંગના વ્યવસાય દરમ્યાન મનીષને તેની જ સાથે કામ કરતી 16 વર્ષીય સગીરા સાથે પરિચય થયો હતો. તે દરમ્યાન આ શખ્સે સગીરાને લગ્નની લાલચ આપી તાજેતરમાં અપહરણ કર્યુ હતું. આરોપી સગીરાને લઇ જામજોધપુર પંથકમાં વાડીએ અને રાજકોટ લઇ ગયો હતો. જયાં આરોપીએ તેણી સાથે ત્રણ વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ ઘટના અંગે સગીરાની માતાએ પ્રથમ આરોપી સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુન્હો નોંધયા બાદ સગીરાની તબીબી ચકાસણી બાદ બળાત્કારની કલમનો ઉમેરો કરાવ્યો હતો. પોલીસે આરોપી સામે અપહરણ, બળાત્કાર અને પોકસો તથા એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધી હતી. તે દરમ્યાન આ ઘટના અંગે એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપીએ તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડયો હતો. પોલીસે આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી વિધિવત ધરપકડ કરી છે. વધુ પુછપરછ કરવા માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવા કાર્યવાહી કરી છે.
-મળતી માહિતી