જખૌ દરિયાકાંઠેથી ૪ લાખના ચરસના ૩ પેકેટ મળી આવ્યા

ભારતીય કોસ્ટ ગાર્ડે શનિવારે કચ્છના જખૌ નજીક દરિયાકાંઠેથી ચરસના ત્રણ પેકેટ પકડી પાડ્યા છે . પકડાયેલા ચરસની કિંમત રૂ . ૪ લાખ હોવાનું કોસ્ટ ગાર્ડના અધિકારીએ જણાવ્યું હતું . ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમને પેટ્રોલીંગ દરમ્યાન જખૌ નજીકના શેખરણપીર ટાપુમાંથી ચરસના ત્રણ પેકેટ મળી આવ્યા હતા . જખૌના દરિયા કિનારેથી તેમજ આસપાસના ટાપુઓમાંથી પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓને અવારનવાર ચરસના પેકેટ મળી આવે છે .
અગાઉ દરિયામાં પધરાવી દેવાયેલા ચરસના પેકેટ વખતો વખત કચ્છની દરિયાઈ સીમાએથી મળી રહ્યા છે , ત્યારે જખૌ કોસ્ટગાર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન શેખરણપીર ટાપુ પરથી ચરસના ત્રણ પેકેટ મળી આવ્યા છે . અંદાજે ત્રણ કિલો ગ્રામ ચરસનો જથ્થો કોસ્ટગાર્ડની ટીમે હસ્તગત કર્યો હતો . બજાર કિંમત મુજબ ઝડપાયેલા ચરસના ત્રણ પેકેટ અંદાજે ચાર લાખ રૂ પિયાના થાય છે . આ અંગે ડીફેન્સ વિભાગના પીઆરઓ સાથે વાત કરતા તેમણે જખૌ નજીકના ટાપુ પરથી ચરસના ત્રણ પેકેટ મળ્યા હોવાની ઘટનાને સમર્થન આપ્યું હતું . વધુમાં ઉમેર્યું હતું કે , વર્ષ ર૦ર૦ દરમ્યાન અંદાજે ત્રણ કરોડની કિંમતના ર૦ર પેકેટ કબજે કરવામાં આવ્યા છે .
આ પૂર્વે ગુજરાતની દરિયાઈ સીમામાંથી ચરસની ઘુસણખોરીનો પ્રયાસ કરાયો હતો , જેમાં ઈરાનીઓ ચરસનો જથ્થો લઈને બોટ મારફતે દરિયામાં આવતા હતા ત્યારે પાકિસ્તાની મરીન સિકયોરિટીએ ઈરાનીઓને ઝડપી પાડયા હતા . જે તે વખતે ઈરાની શખ્સોએ બોટમાં રહેલો ચરસનો જથ્થો દરિયામાં પધરાવી દીધો હતો . આ ઉપરાંત પણ દરિયામાં આવી અનેક ઘટનાઓ ઘટી ચુકી છે , જેમાં ડ્રગ્સના સપ્યાલરો સુરક્ષા એજન્સીઓની નજરે ચડી જતા પોતાની પાસે રહેલો મુદ્દામાલ દરિયામાં પધરાવી દેતા હોય છે , ત્યારે આ રીતે દરિયામાં ફેંકી દીધેલા ચરસ સહિતના નશીલા પદાર્થના પેકેટ અવારનવાર કચ્છની દરિયાઈ સીમા કે ક્રીક વિસ્તાર કે પછી નિર્જન ટાપુ પરથી મળી આવવાની ઘટના ઘટે છે .
જખૌના ટાપુ નજીક કોસ્ટ ગાર્ડની ઈન્ટરસેપ્ટર બોટના પેટ્રોલિંગ દરમિયાન ત્રણ પેકેટ ચરસ મળ્યું હતું . ત્રણ ચરસના પેકેટ મળ્યા હતા જેનું અંદાજીત વજન ૩ કિલો જેટલું છે . કોસ્ટ ગાર્ડના નિવેદન મુજબ જખૌ સહિતના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે . ઈન્ટરસેપ્ટર બોટ અને ક્રાફ્ટ દ્વારા ક્રીક વિસ્તારમાં કડક તપાસ શરૂ કરવામાં આવી છે . ચાલુ વર્ષે બોર્ડર સિક્યોરિટી ફોર્સ , કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક પોલીસની તપાસમાં કચ્છ સરહદેથી ચરસના કુલ ૧ , ૦૦૦ પેકેટો જપ્ત કરાયા છે .