પટ્ટો ચડાવાતાં ક્રેનનો આગળનો ભાગ ધડાકાભેર 4 નંબરની જેટી પર પછડાયો : જાનહાનિ ટળી

દીન દયાળ પોર્ટ 20 વર્ષ જુની થયેલી જુદી જુદી મશિનરી દૂર કરવાની કવાયતમાં લાગી ગયું છે. આજે જેટી નંબર 4 ઉપર જે કંપનીને ઇજારો આપવામાં આવ્યો છે તેના દ્વારા બે ક્રેનના પટ્ટા ચડાવતી વખતે એક ક્રેનનો આગળનો ભાગ ધડાકાભેર પછડાયો હતો. પટ્ટા સાથે જોડાણ ન થતાં સર્જાયેલી આ સ્થિતિને કારણે ડીપીટી પ્રશાસનમાં દોડધામ મચી ગઇ હતી. જો કે, જાનહાનિ ન થતાં પોર્ટ પ્રશાસને રાહતનો દમ લીધો હતો.
શિપિંગ મંત્રાલય દ્વારા જે તે બંદરો પર જુની મશિનરી હોય અને જર્જરિત થયેલી હોય તેને હટાવવા નક્કી કરવામાં આવ્યું હતું. દીન દયાળ પોર્ટને પણ આ બાબતે આવી ભંગાર થયેલી લોખંડની ચીજ વસ્તુઓ દૂર કરવા સૂચના અપાઇ હતી. એમએસટીસી કંપનીને આ બાબતે કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે. આજે સાંજના સમયે મશિનરી હટાવવાની કામગીરીના પગલે ક્રેનનો આગળનો ભાગ જોરદાર ધડાકા સાથે જેટી નંબર 4 ઉપર પછડાયો હતો. ક્રેન નંબર 9 ની આ અકસ્માતની ઘટનાના પગલે સંબંધિત વર્ગમાં દોડધામ પણ મચી ગઇ હતી.પોર્ટના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે, ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી કે જેટીને નુકશાન પણ થયું નથી.
બંદર પર સર્જાય છે અવાર નવાર અકસ્માત
સતત 11 વર્ષથી પણ વધુ સમયથી દેશના મહાબંદરોમાં નંબર વનનું બિરૂદ મેળવેલ દીન દયાળ પોર્ટમાંઅવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. અગાઉ ખખડધજ રોડ અને લાઇટ ન હોવાને લીધે પણ અકસ્માતોના બનાવો બન્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે. બીજી તરફ ચેરમેન એસ.કે.મેહતા અને તેમની ટીમ દ્વારા પોર્ટની મૂવમેન્ટને અસર ન પડે તે માટે વિવિધ પગલા ભરાઇ રહ્યા છે અને નંબર વનનું બિરૂદ આ વર્ષે પણ જાળવી રખાય તે માટે કામગીરી કરાવી રહ્યા છે. હરિફાઇના યુગમાં પારાદ્વીપ પોર્ટે પ્રથમ ક્વાર્ટરમાં 10 થી વધુ વર્ષો બાદ દીન દયાળ પોર્ટને પછડાટ આપી હતી, જો કે ત્યાર પછીના ક્વાર્ટરમાં ડીપીટી પ્રશાસને કાર્ગો હેન્ડલીંગની બાબતમાં ઝડપ લાવીને પાછું નંબર વનનું બિરૂદ જાળવી લીધું હતું.