આ વખતે પતંગ બજારમાં માલની અછત જોવા મળી

મકરસંક્રાન્તિને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સમગ્ર જગ્યાએ પતંગ અને દોરીની અછત જોવા મળી રહી છે. વેપારીઓ માંગે એટલા ભાવ આપવા તૈયાર છે, તેમ છતાં માલ મળતો ન હોવાની ફરિયાદ ઊભી થઈ છે. અનેક વેપારીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે, પતંગ બજારમાં છેલ્લા ત્રણ ચાર વર્ષમાં માલની આટલી અછત ક્યારે જોવા મળી નથી. કચ્છ ભુજની બજાર પતંગો માટે અમદાવાદ પર નિર્ભર છે અને દોરાઓ માટે બરેલી પર નિર્ભર છે. આ વખતે કચ્છમાં ઘરાકી જોવા મળી રહી છે, ત્યારે માલની અછત જોવા મળી રહી છે. શરૂઆતમાં પતંગમાં 20%નો વધારો જોવા મળ્યો હતો. પરંતુ હવે 60% વધારો ઝીંકી દેવાયો છે. સુરેન્દ્રનગર, વાપી, વલસાડના અનેક વેપારીઓ કચ્છમાં માલ મેળવવા ઉતરી પડયા હોવાનું જોવા મળ્યું હતું. નાના મોટા વેપારીઓ માલ માટે કોઇ પણ ભાવ આપવા તૈયાર છે, પરંતુ પતંગ-દોરાની અછતમાં કયાંયે માંગ પૂરી ન થાય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.


-મળતી માહિતી મુજબ