સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા આઈ.સી. ડી.એસ ઘટકમાં કિશોરીઓ અને સગર્ભાઓ માટે ઇનોવેટીવ પાઈલોટ પ્રોજેક્ટ અમલી બનાવાયો


સુરેન્દ્રનગરઃ- સુરેન્દ્રનગર આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા ધ્રાંગધ્રા ઘટક-૨માં ઇનોવેટીવ પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત કિચન ગાર્ડન અને લોખંડના વાસણોના ઉપયોગથી કિશોરીઓ અને સગર્ભા બહેનોમાં એનિમિયાનો ઘટાડો કરવાના ઉદેશ્યથી આ પ્રોજેક્ટ અમલી બનાવાયો છે. જે હેઠળ ધ્રાંગધ્રા ઘટક-૨માં સૌપ્રથમ કિશોરીઓ અને સગર્ભાઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમજ ઘટકના તમામ આંગણવાડી કાર્યકર બહેનોને પ્રોજેક્ટના વિષય અનુરૂપ કેપેસીટી બિલ્ડીંગની ત્રણ તબક્કામાં તાલીમ પણ આપવામાં આવી હતી. જે અન્વયે ધ્રાંગધ્રા ઘટક-૨ના ૨૦ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ વાટિકા બનાવવામાં આવેલ, જેના દ્વારા એનેમિક કિશોરી લાભાર્થીઓને વધુ આયર્ન મળે તેવા શાકભાજી/ફળ જેવા કે સરગવો, દુધી, મીઠો લીમડો, લીંબુડી, જામફળી, રીંગણ, ફુદીનો, ટામેટા, દાડમ, વગેરે છોડનો ઉછેર કરવામાં આવેલ અને પ્રોજેક્ટના ૧૩૦ એનેમિક કિશોરી લાભાર્થીઓને તેનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. તદઉપરાંત ૫૦૦ એનેમિક કિશોરી અને સગર્ભાઓને ખોરાકમાં વધુ આયર્ન મળે તેવા હેતુથી લોખંડની કડાઈ પણ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા ૬૫૦ એનેમિક કિશોરીઓને ૧ કિલોગ્રામ મગ, ચણા, તુવેરદાળ, અને દેશી ગોળ જેવી ન્યુટ્રીસન કીટ આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ થકી એનેમિક કિશોરીઓ અને સગર્ભાઓમાં હિમોગ્લોબીનના પ્રમાણમાં વધારો જોવા મળેલ છે.