કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત મુન્દ્રા તાલુકાના ૩૧ ગામોનાં ખેડુતોને દિવસે વિજળી આપવાનો કરાયો આરંભ
ખેડૂતો માટે વીજ ક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જિલ્લામાં મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં મુન્દ્રા તાલુકાના ૩૧ ગામડાઓમાં શુભારંભ કરવામાં આવ્યો છે. તાજેતરમા રાજય સરકાર ખેડૂત કલ્યાણની અનેક યોજનાઓ થકી ખેડૂતોના હિત સબંધી કામગીરી કરી રહી છે ત્યારે તે અન્વયે જયોતિગ્રામ યોજના પછીની આ ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ ૨૪/૧૦/૨૦૨૦થી થઇ ચૂકયો છે. અત્યારે બીજો તબકકો છે અને રાજય સરકાર ૨૦૨૨ સુધીમાં આ યોજનાનું સંપૂર્ણ અમલીકરણ કરવા પ્રયત્નશીલ છે. ૩૫૦૦ કરોડના ખર્ચે શરૂ કરાયેલી આ યોજનાના પ્રથમ તબકકાની શરૂઆત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૪/૧૦/૨૦૨૦ના જુનાગઢ, ગીર સોમનાથ તેમજ દાહોદ જિલ્લાના મળીને કુલ ૧૦૫૫ ગામડાઓના ૯૮૦૦૦ ખેડૂતોને દિવસ દરમ્યાન વીજ પુરવઠો પુરો પાડવામાં આવ્યો હતો. તથા દ્રિતીય તબકકામાં ગુજરાતના કુલ ૨૯૩૨ ગામડાઓના રૂ.૩૪ હજાર ખેડૂતોને વીજ પુરવઠો પાડવામાં આવશે. જે અંતર્ગત મુન્દ્રા તાલુકાના ૩૧ ગામોના ૧૬૭૧ ધરતીપુત્રોને વીજ પુરવઠો પુરો પાડવાનો આરંભ કરવામાં આવ્યો હતો. આ તકે મુન્દ્રા ખાતે આયોજિત સમારોહમાં શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે આ યોજના ખેડૂતો માટે ખુલ્લી મૂકતાં જણાવ્યું હતું કે, ખેડૂતોને રાત્રી દરમ્યાન જે પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે તેનો આ યોજનાથી અંત આવશે એટલે કે આ કિસાન સૂર્યોદય યોજના ખરા અર્થમાં સર્વોદય કરનારી સિધ્ધ થશે. દિવસે કામ અને રાત્રે વિશ્રામની વાત કરીને તેમણે ઉમેર્યુ હતું કે, રાત્રી દરમ્યાન વિજળી મળતા ખેડૂતોને રાત્રે પાણી વાળવા જવું પડતું જેના કારણે વન્યજીવોનો ડર હંમેશા મનમાં રહયા કરતો તથા ચોમાસામાં વરસાદમાં તથા શિયાળાની કડકડતી ઠંડીમાં તેમને ખેતરે રહેવું પડતું જયારે, આ યોજના થકી ખેડૂતોને દિવસ દરમ્યાન સવારના પાંચ થી રાત્રીના નવ વાગ્યા સુધી વિજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી હવે તેમના જીવનમાં સોનેરી સુરજનો સૂર્યોદય થશે.વધુમાં ગુજરાતને મોડેલ રાજય ગણાવતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમની કામગીરીને બિરદાવી હતી. ઉપરાંત લેન્ડ ગ્રેબીંગ એકટનો ઉલ્લેખ કરતા કાયદાકીય મજબૂતીની પણ સાક્ષી પુરી હતી. સૈનિકો બાદનો વિશેષ દરજ્જો ખેડૂતોને આપતાં તેમણે જગતતાત ખેડૂતોની સ્થિતિને હજુ વધુને વધુ સધ્ધર બનાવવા કટિબધ્ધતા દાખવી હતી. ત્યારબાદ કચ્છ જિલ્લા ભાજપાના પ્રમુખશ્રી કેશુભાઇ પટેલે જયોતિગ્રામ યોજના પછી ખેડૂતો માટેની આ મહત્વની કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂતોની સ્થિતિમાં હજુ પણ વધુને વધુ સુધાર લાવવા દ્ઢ ઈચ્છા શકિત દાખવી હતી. ઉપરાંત કચ્છની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરતાં છેવાડાના તથા વિકાસથી વંચિત લોકો માટે ખેતીવાડી અને ગ્રામ્ય વિસ્તારમાં વિજળી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહયા છે. તથા આ યોજના થકી ખેડૂતોને દિવસે વિજળી પ્રાપ્ત થતા દિવસે કામ અને રાત્રે વિશ્રામ કરી શકશે. આ કાર્યક્રમમાં ઉદબોધન પ્રવચન તથા કાર્યક્રમની રૂપરેખા માંડવી ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર સનદભાઇ જોષી તથા આભારવિધિ પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઈજનેરશ્રી ગુરૂવાએ કરી હતી. આ પ્રસંગે માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય અગ્રણીઓ શ્રી વાલજીભાઇ ટાપરીયા, શ્રી રવાભાઇ આહિર, શ્રી વિશ્રામભાઇ ગઢવી, શ્રી મહેન્દ્રસિંહ જામ, શ્રી છાયાબેન ગઢવી, શ્રી ચંદુભા જાડેજા, દશરથબા ચૌહાણ, ધમેન્દ્રભાઇ જેસર, માંડણભાઇ રબારી, જુવાનસિંહ ભાટી, કિશોરસિંહ પરમાર, શકિતસિંહ જાડેજા તથા જીવણજી જાડેજા અને મુન્દ્રા મામલતદારશ્રી પ્રજાપતિ તથા ગેટકો અંજારના અધિક્ષક ઈજનેર વામજા તેમજ ગ્રામજનો, ખેડૂતો ઉપસ્થિત રહયા હતા.