નાના ફૂલ જેવા બાળકોમાં કિડની સંદર્ભની બીમારી જોવા મળી
કચ્છ: દર મહિને 2 થી 6 વર્ષના નાના ફૂલ જેવા બાળકોમાં કિડની સંદર્ભનો રોગ જોવા મળતાં લોકોમાં ચિંતાની લાગણી જોવા મળી હતી. જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સરેરાશ 2 થી 3 બાળકો આવતાં હોય છે. તેઓના શરીર અને ખાસ તો આંખ ઉપર વધુ સોજો હોય અને પેશાબ ઓછો આવે છે. ડોક્ટરના મતે બાળકને આ રોગ થવાનું ખાસ કોઈ કારણ નથી. બાળરોગ વિભાગના રેસિ. ડો. કરણ પટેલ દ્વારા જાણવા મળ્યું હતું કે, સામાન્ય રીતે આ રોગ હોય તેવું બાળક આવે ત્યારે તેના બાહ્ય દેખાવ પરથી જ અંદાજ આવી જાય છે. આ લક્ષણ ઉપરથી ઊંડાણમાં તપાસ કરવામાં આવે તો બાળકનું બી.પી. હાઈ હોય છે. ક્લિનિકલ ટેસ્ટ થાય તો પેશાબમાં પ્રોટિન વધુ માત્રામાં જતું દેખાય એ લોહીમાં કોલેસ્ટેરોલ પણ હોય છે. આવા બાળકની સારવાર માટે જાણવા મળ્યું કે, બાળરોગ વિભાગના વડા ડો.હસમુખ ચૌહાણ અને પ્રો.રેખા થડાનીના માર્ગદર્શન હેઠળ નેફ્રોટિક સિન્ડ્રોમધારક બાળકોને દાખલ કરી ઓછું મીઠું અને પ્રોટિન વધુ હોય તેવો ખોરાક આપવામાં આવે છે. આ બધી સહાયક સારવાર છે, પરંતુ તેની મુખ્ય સારવાર તો સ્ટીરોઈડ છે. આવી 6 અઠવાડિયા સુધી સતત સારવાર આપવામાં આવે છે. ત્યારબાદ બાળકને ફોલોઅપ માટે બોલાવવામાં આવે છે. પેશાબનું પ્રોટિન અને બ્લડ ટેસ્ટ સામાન્ય થાય પછી સ્ટીરોઈડ દર 2 દિવસે ચાલુ રાખવામાં આવે છે. નિયમિત ફોલોઅપથી દર્દીને સમયસર રાહત મળી જાય છે. જો બાળકના માતાપિતા ધ્યાન ન રાખે તો રોગ ઉથલો મારવાની પણ સંભાવના હોય છે.
-મળતી માહિતી મુજબ