દરેક લોકોને વેકસીનેશનનો લાભ મળે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સધન અને સુચારૂ આયોજન કરાયું છે – કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ

રાજકોટ તા. ૧3 જાન્યુઆરી – કોરોનાની મહામારીમાં માનવજાતે ઘણું ગુમાવ્યું છે પરંતુ કોરોનાને હરાવીને કે જાકારો આપવાના તેનો જુસ્સો, હીંમત અને ધીરજ ગુમાવ્યા વગર કરેલા નિરંતર પ્રયત્નો થકી ભારતને કોરોના સામે અમોઘ શસ્ત્ર સમાન વેક્સિન મળી છે તે ગર્વની વાત છે. સમગ્ર દુનિયાની જેના પર નજર હતી તેવી કોરોના વેક્સિનેશન ઝુંબેશ વિશાળ જનસમુદાય ધરાવતા ભારત દેશમાં તા. ૧૬-૦૧-૨૦૨૧ ના રોજ શરૂ થનાર છે. જેના ભાગરૂપે આજરોજ રાજકોટ એરપોર્ટ ખાતે રાજકોટ રિજિયન માટે કૂલ ૭૭,૦૦૦ ડોઝનો જથ્થો આવી પહોંચ્યો હતો જેનું કૃષિ મંત્રીશ્રી આર.સી. ફળદુએ શ્રીફળ વધેરીને સ્વાગત કર્યું હતું. આ તકે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાની પ્રેરક ઉપસ્થિતી રહી હતી. આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા આ રસીની શોધ થઈ છે.દેશના પ્રધાનમંત્રીશ્રીની ઉતકૃષ્ટ ભાવના હતી કે દેશમાં જ કોરોનાની રસીનું સંશોધન થાય અને દેશવાસીઓ સંકટમાંથી બહાર આવે. દસ મહિનાના અંતે હિન્દુસ્તાનની ધરતી પર આ રસીની શોધ થઈ છે. જે ગર્વની બાબત છે. આ રસીના ઉપયેાગ વડે રસીકરણથી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે. આજે રાજકોટ ખાતે આ રસીનો પહેલો જથ્થો આવી પહોંચ્યો છે. જેને કારણે રાજકોટ અને આસાપાસના વિસ્તારોના લોકોમાં હર્ષ સાથે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. દરેક લોકોને તબક્કાવાર વેકસીનેશનનો લાભ મળે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સધન અને સુચારૂ આયોજન કરાયું છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે આજે સવારે લગભગ ૭૭,૦૦૦ જેટલા કોરોના વેકસીનના ડોઝ આવ્યા છે જેનું વિભાગીય નિયામકની કચેરી ખાતે ખાતે સ્ટોરેજ કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કસને વેકસીન આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોવિડ વેકસીન કોવિશિલ્ડના સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. આ વેક્સિનનું તાપમાન ૨° થી લઈને ૮° સે. જેટલું જાળવી રાખવામાં આવે છે. રાજકોટ રિજિયન ખાતે આવી પહોંચેલા કૂલ ૭૭,૦૦૦ ડોઝ પૈકી રાજકોટ જિલ્લા પંચાયતને કુલ ૯,૦૦૦ ડોઝ, રાજકોટ મહાનગરપાલિકાને કુલ ૧૬,૫૦૦ ડોઝ, જામનગર જિલ્લા પંચાયતને કુલ ૫,૦૦૦ ડોઝ, જામનગર મહાનગરપાલિકાને કુલ ૯,૦૦૦ ડોઝ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતને કુલ ૪,૫૦૦ ડોઝ, પોરબંદર જિલ્લા પંચાયતને કુલ ૪,૦૦૦ ડોઝ, મોરબી જિલ્લા પંચાયતને કુલ ૫,૦૦૦ ડોઝ, કચ્છ જિલ્લા પંચાયતને ૧૬,૦૦૦ ડોઝની ફાળવણી કરવામાં આવશે. ઉપરોક્ત જિલ્લા અને મહાનગરપાલિકાના વેક્સીન સ્ટોર તેમજ કોલ્ડ ચેઈન પોઇન્ટ સુધી પહોંચાડવા માટે ખાસ વાન દ્વારા વેક્સીન સપ્લાય કરવામાટેનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં કોરોના સામે બાથ ભીડનાર અગ્રીમ હરોળના કોરોના વોરીયર્સ એવા આરોગ્ય્ કર્મીઓને વેકસીન આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમા ૧૦ સ્થળોએ તથા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પાંચ સ્થળોએ વેકસીન આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમગ્ર રિજીયનમાં કૂલ ૩૪૪ જેટલા કેન્દ્રો નક્કી કરાયા છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત હેઠળના ૧૦૧ કેન્દ્રો, જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના ૫૬ કેન્દ્રો, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના ૩૨ કેન્દ્રો, પોરબંદર જિલ્લા પંચાયતના ૨૦ કેન્દ્રો, મોરબી જિલ્લાના ૪૨ કેન્દ્રો, ભુજ જિલ્લા પંચાયત ખાતે ૯૩ સ્ટોરેજ કેન્દ્રો સુનિશ્ચિત કરાયા છે. તમામ કેન્દ્રો પર ફ્રિઝરના ટેમ્પરેચર અને તમામ વેક્સિનના સ્ટોકનું મોનીટરીંગ EVIN સોફ્ટવેર મારફત ઓનલાઇન જોઈ શકાય છે. વેક્સીન ટ્રાન્સપોર્ટેશન માટે અત્રેની કચેરી ખાતે એક વેક્સીન વાન છે અને તમામ જિલ્લા અને મહાનગર પાલિકા પાસે પણ વેક્સીન વાન ઉપલબ્ધ છે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, પોલીસ કમિશ્રનરશ્રી મનોજ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવાસિયા, મ્યુનિસિપલ કમિશ્રનરશ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મિણા, વિભાગીય નિયામક આરોગ્ય ડો. રૂપાલી મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી, અધિક નિવાસી કલેક્ટરશ્રી પરિમલ પંડ્યા અગ્રણીશ્રીઓ બિનાબેન આચાર્ય, વી.પી.વૈશ્નવ, વિભાગીય ફાર્માસીસ્ટ આર. કે ડોબરીયા તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.