શ્રી રામ મંદિર નિધી સમર્પણ અભિયાનમાં જિલ્લા ભાજપ સંગઠનના વરિષ્ઠ અગ્રણીઓએ અનુદાન નોંધાવ્યું
શ્રી રામ જન્મ ભૂમિ તીર્થક્ષેત્રના કાર્યાલય ખાતે ચેક અર્પણ કરી આજ થી કચ્છ જિલ્લા ભાજપમાં પણ આ અભિયાનનો આરંભ કરાયો. કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ મર્યાદા પુરૂષોતમ શ્રી રામ ભગવાનના અયોધ્યા ખાતે નિર્માણાધિન નુતન મંદિરના ભગીરથ કાર્ય અન્વયે રાષ્ટ્રના તમામ હિન્દુઓ પાસેથી આ ભવ્ય મંદિર નિર્માણ માટે ફુલ નહીં અને ફુલની પાંખડી ઉકિત અનુસાર તેમની શકિત અને અનુકુળતા મુજબ આર્થિક સહયોગ લઈ સૌને આ મહા અભિયાનમાં સહભાગી બનાવવાના શુભ આશયથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ”શ્રી રામ મંદિર નિધી સમર્પણ અભિયાન” નો આજથી દેશભરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.આ અભિયાનને સમર્થન આપીને દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ તેમની યથાશકિત ફાળો નોંધાવીને મંદિર નિર્માણના મહાન કાર્યમાં સહાયરૂપ બનશે ત્યારે આજરોજ કચ્છ જિલ્લા ભાજપ સંગઠનમાંથી પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ મહામંત્રી અનિરૂઘ્ધભાઈ દવેએ શ્રી રામ જન્મ ભૂમિ તિર્થક્ષેત્રના કાર્યાલય ખાતે તેમની નિધીનો ચેક જમા કરાવીને આ મહા અભિયાનનો કચ્છ જિલ્લા ભાજપમાં પ્રારંભ કરાવ્યો હતો. આ અંગે પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાશનકાળમાં રામ મંદિર નિર્માણનો યક્ષ પ્રશ્ન તમામ કાયદાકીય પડાવ પાર કરીને સફળતાપૂર્વક ઉકેલાતા હવે રામ જન્મ ભૂમિ ખાતે મંદિર નિર્માણનો માર્ગ મોકળો થયો છે. સનાતન હિન્દુ સમાજની સાથે મળીને ભાજપના સૌ કાર્યકર્તાઓ પણ તેમની શકિત અનુસાર ફાળો આપીને આ કાર્યમાં સહભાગીતા નાંધાવશે ત્યારે આજરોજ મારા ફાળાની રકમનો ચેક અર્પણ કરતા હું ખુાશીની લાગણી અનભવું છું. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, હિન્દુ સમાજની આસ્થાના કેન્દ્રબિન્દુ સમાન રામ મંદિરના નિર્માણ કાર્યમાં આપણે સૌ સાથે મળીને આ ભગીરથ કાર્યમાં સહયોગ આપીને આપણી જાતને કૃતાર્થ બનાવીએ એવી હ્યદયપૂર્વકની અપીલ કરું છું. કચ્છ જિલ્લા ભાજપ સંગઠન હર હંમેશ આવા સત્કાર્યોમાં અગ્રેસર રહીને કાર્ય કરતું આવ્યું છે ત્યારે આ મહાયજ્ઞમાં પણ જિલ્લાભરના ભાજપના સૌ હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનો ઉમદા સહયોગ પ્રાપ્ત થશે એવી પૂર્ણતઃ આશા સેવ છું.આ ઉપરાંત આજે જિલ્લાભરમાં પક્ષના અનેક વરિષ્ઠ આગેવાનો અને નામી-અનામી કાર્યકર્તાઓએ આ અભિયાનમા જોડાઈને તેમના તરફથી શ્રેષ્ઠ સહયોગ નોંધવ્યો હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ ઇન્ચાર્જ સાતિવ્કદાન ગઢવીની યાદીમાં જણાવાયુ હતું.