અમરેલી મેડીકલ કોલેજ ખાતેથી જિલ્લાસ્તરના કોરોના રસીકરણનો શુભારંભ કરાવતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા
અમરેલી, તા: ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ અમરેલી મેડીકલ કોલેજ ખાતે આજે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સમગ્ર દેશના સૌથી મોટા રસીકરણ અભિયાનનો અમરેલી જિલ્લાસ્તરે શુભારંભ કરાવ્યો હતો. આ તકે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાએ ભારત દેશના વૈજ્ઞાનિકો અને સંશોધકોનો આભાર માનતા જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે તેનો શ્રેય માત્રને માત્ર દેશના વૈજ્ઞાનિકો અને સંશોધકોને જાય છે. આપણા વૈજ્ઞાનિકોએ રાત-દિવસ પોતાના ઘર-પરિવાર છોડી દેશના ૧૩૦ કરોડ નાગરિકો માટે વેક્સીન વિકસાવી છે. આમ ખુબ ઓછા સમયમાં કોવીડ-૧૯ની વેક્સીન વિકસાવી આજથી દેશના ૩ કરોડના પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓને આપવાની શરૂઆત કરી છે એ બદલ સાંસદશ્રીએ તમામને અભિનંદન આપ્યા હતા. વધુમાં સાંસદશ્રીએ જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકનો આભાર માનતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાને ખૂબ લાંબા સમય સુધી કોરોનાથી મુક્ત રાખવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ ખૂબ આગોતરું આયોજન કર્યું હતું. અમરેલીમાં કોરોનાના કેસો આવ્યા બાદ પણ દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે તે માટે કલેકટરશ્રી સતત પ્રયત્નશીલ રહ્યા હતા. અમરેલી જિલ્લામાં કોરોના રસીકરણનો સૌપ્રથમ ડોઝ મેડીકલ કોલેજના ડીન ડો. વિકાસ સિન્હાએ લીધો હતો અને કોરોના સામેની લડાઇનું અમરેલી ખાતેનું સૌપ્રથમ કવચ ગ્રહણ કર્યું હતું. ડો. સિન્હાએ અન્ય લોકોને પણ રસી લઇ આ અભિયાનમાં જોડાઇ માનવજાતને આ મહામારીમાંથી બહાર આવવા અપીલ કરી હતી. ડો. સિન્હા બાદ અમરેલીના ખ્યાતનામ તબીબશ્રી ડો. કાનાબાર, ડો. નીતિન ત્રિવેદી તથા અન્ય આરોગ્યકર્મીઓએ રસીકરણ કરાવ્યું હતું. આમંત્રિતોના હસ્તે દીપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. આરોગ્ય અધિકારી શ્રી હરેશ વાળાએ સ્વાગત પ્રવચનમાં આજના રસીકરણ કાર્યક્રમની ટૂંકી રૂપરેખા રજૂ કરી હતી. રસીકરણના શુભારંભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્સાહવર્ધક પ્રવચનમાં ઉપસ્થિત સૌ સામેલ થયા હતા. રાજયની કોરોના સ્થિતિનો ચિતાર રજુ કરતી ટૂંકી ડોક્યુમેન્ટરીનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં રસીકરણ માટે કુલ ૨૭ હજારથી વધુ રસીકરણ બુથ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ૪.૪૦ લાખ હેલ્થ વર્કર્સને તાલીમબદ્ધ વેક્સિનેટર દ્વારા રસી આપવામાં આવશે. રાજ્યમાં કુલ ૨૨૩૬ કોલ્ડ ચેઇન પોઇન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને કોવિડને અનુરૂપ વ્યવહાર સાથે એક સેશન સાઇટ પર સો લાભાર્થીઓને રસીકરણ આપવામાં આવશે. એક વેકસીનેટર અને અન્ય ચાર વેક્સિનેશન અધિકારીઓ લાભાર્થીઓની સેવામાં ઉપલબ્ધ રહેશે. જિલ્લાના તમામ વેક્સીનેશન કેન્દ્રો ખાતે વેકસીનેશન રૂમ, ઓબ્ઝર્વેશન રૂમ તેમજ વેઇટિંગ રૂમ સહિતની અલાયદી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરીયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર, પ્રાંત અધિકારીશ્રી સી. કે. ઉંધાડ, ડો. એચ. એફ. પટેલ, ડો. શોભના મહેતા, ડો. કાનાબાર, ડો. એ. કે. સિંઘ તથા રસી લેનાર આરોગ્ય વિભાગના લાભાર્થીઓ, ખાનગી ડૉક્ટર્સ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.