સસ્તું સોનું આપવાની લાલચે દિયોદરના શખ્સ સાથે ઠગાઇ કરનારા વધુ બે ચીટર ને ઝડપી પાડતી ભુજ બી ડિવિઝન પોલીસ

ગત મહિને બનાસકાંઠાના દિયોદરના બે શખ્સો સાથે સમાન મોડસ ઓપરેન્ડીથી બે ઠગાઇ આચરાઇ હતી, બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી 5 લાખની ચીટિંગમાં વધુ બે આરોપીને પોલીસે દબોચી લઇ 4.50 લાખ રોકડા અને કાર કબજે કરી હતી. દિયોદરના શખ્સને સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપી ભુજની ચીટર ટોળકીએ શીશામાં ઉતાર્યો હતો, પાંચ લાખ રૂપિયા હિના પાર્કમાં આવેલા મકાનમાં લઇ લીધા બાદ પરત આપ્યા ન હતા. જે ઠગાઇમાં પોલીસે જે તે સમયે હુશેન ઉર્ફે હશન સીધીક સમાની ધરપકડ કરી હતી, જેની પુછપરછમાં ત્રણ નામો ખુલ્યા હતા.બી ડિવિઝન પોલીસની ટુકડીએ ગુનામાં નાસતા ફરતા ભેજાબાજ મામદ હુશેન ઉર્ફે મમલો ઓસમાણ લંઘા (રહે. આશાપુરા નગર,ભુજ) અને મહમદ હનીફ ઉર્ફે પપ્પુ રમજુ સોઢા (રહે. જીલાની નગર, ખારસરા ગ્રાઉન્ડ,ભુજ) વાળાની અટકાયત કરી તેમની પાસેથી 4 લાખ 50 હજાર રીકવર કર્યા હતા. તો ગુનામાં ઉપયોગમાં લેવાયેલી જીજે 12 સીપી 9816 નંબરની આઇ 20 કાર પણ કબજે કરાઇ હતી. પોલીસે અગાઉ પકડાયેલા આરોપી પાસેથી 34 હજાર રૂપીયા રીકવર કર્યા હતા.