મોરબી અને મોટા દહીંસરામાં પ્રેમસંબંધમાં હત્યા થયાનું ખુલ્યુ

મોરબીના રામઘાટ અને માળીયામિંયાણાના મોટા દહીંસરામાં હત્યા કરનારા આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. હત્યાના બન્ને બનાવ પ્રેમપ્રકરણમાં થયાનું ખુલ્યુ છે.

મોરબીના રામઘાટ નજીક રવિવારે મોડી રાત્રીના સુમારે એક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય જે બનાવ અંગે ગુન્હો નોંધી પોલીસે તપાસ ચલાવી હતી જેમાં આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા અબ્બાસશા મહમદશા રફાઈ ફકીરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના ઘર પાસે હોય ત્યારે બાજુમાં રહેતા રમજાન હાજીભાઇ ખુરેશીએ જણાવ્યું હતું કે તેના દીકરા રફીકને લાગી ગયું છે અને હોસ્પિટલ પહોંચતા રફીકનું મોત થયાનું જાણવા મળ્યું હતું જે હત્યાના બનાવ અંગે વધુમાં જણાવ્યું છે કે રીયાઝ ઉર્ફે રૈયાકત હાજી ખુરેશીની બહેન સાથે ફરિયાદીના દીકરા રફીક ઉર્ફે ગુલાબને પ્રેમસંબંધ હોય સાત આઠ વર્ષ પહેલા પ્રેમસંબંધ મામલે અગાઉ ઘર મેળે સમાધાન પણ થયું હતું જેનો ખાર રાખી રીયાઝ ઉર્ફે રૈયાકત હાજી ખુરેશીએ રફીકને રામઘાટ નજીક છરીના ઘા ઝીંકી દઈને હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે એ ડીવીઝન પોલીસે તપાસ ચલાવી હતી જેમાં આરોપી રીયાઝ ઉર્ફે રૈયાકત હાજી ખુરેશીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

માળિયાના મોટા દહીંસરા ગામે સગીરની હત્યાના બનાવ મામલે ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી હતી જેમાં હત્યા કરનાર બે ઇસમોને દબોચી લેવાયા છે તો સગીરની હત્યા પ્રેમ સંબંધ મામલે થયાનો ખુલાસો થવા પામ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયાના મોટા દહીંસરા ગામે લાલા વલ્લભ દેલવાણીયા (ઉ.વ.૧૭) નામના સગીરની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય જેનો મૃતદેહ મોટા દહીંસરા ગામના તળાવ પાસેથી મળી આવ્યો હતો જે બનાવ અંગે જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજા તેમજ માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમાની ટીમ તપાસમાં હોય દરમીયાન પ્રેમસંબંધને કારણે બનાવ બન્યાનું ખુલ્યું હતું જેમાં મૃતકને રમેશભાઈ પોપટભાઈ પરમારની દીકરી સાથે પ્રેમસંબંધ હોય અને મોટા દહીંસરા ગામે દેવીપુજક સમાજનો ધાર્મિક પ્રસંગ હોય જયાં વધુ લોકોની ભીડ હોવાનો લાભ લઈને રમેશ પરમારનો દીકરો હરદેવ ઉર્ફે પ્રવીણ રમેશભાઈ પોપટભાઈ પરમાર (ઉ.વ.૩૨) રહે મોરબી સમર્પણ હોસ્પિટલ પાછળ ગાયત્રીનગર અને કરણ ઉર્ફે કાનો રણજીત પરમાર (ઉ.વ.૧૯) રહે મોરબી ગાયત્રીનગર વાળાએ હત્યાને અંજામ આપ્યો હોય જે બંનેની સઘન પૂછપરછ કરતા ગુન્હાની કબુલાત આપી હતી અને મૃતકને માથામાં પથ્થરના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્યું હતું જેથી પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી તપાસ ચલાવી છે.