ઉત્તરાખંડ હોનારત: 39 વર્કર્સને કાઢવા 72 કલાકથી ઓપરેશન યથાવત

ચમોલીના તપોવન દુર્ઘટનાનો આજે ચોથો દિવસ છે. એનટીપીસીની ટનલમાં ફસાયેલા 39 વર્કર્સને બચાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. લગભગ અઢી કિમી લાંબી આ ટનલનો મોટા ભાગનો ભાગ આપત્તિમાં આવેલા કાટમાળથી ભરાયેલો છે. આર્મી, આઇટીબીપી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પૂરી શક્તિથી રેસ્ક્યૂમાં લાગી ગઈ છે .એમ છતાં અત્યારસુધી માત્ર 120 મીટર ભાગની સફાઈ થઈ શકી છે.


અમુક મીડિયા રિપોટ્ર્સમાં અધિકારીઓના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે દિવસથી ટનલમાં ફસાયેલા વર્કર્સ સામે હાઇપોથર્મિયા(શરીરનું તાપમાન સામાન્ય કરતાં ઓછું થઈ જવું) અને ઘટતાં ઓક્સિજન લેવલની સમસ્યા થઈ શકે છે.

ઉત્તરાખંડમાં આપત્તિ પછી રેસ્ક્યૂના ત્રીજા દિવસે એટલે કે મંગળવારે વધુ 6 મૃતદેહ મળ્યા હતા. અત્યારસુધીમાં 32 લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે. સરકારના જણાવ્યા પ્રમાણે, દુર્ઘટના પછી 206 લોકો ગુમ થઈ ગયા છે, જેમાંથી 174 લોકોની હાલ પણ કોઈ ભાળ મળી નથી.

ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઉત્તરાખંડ દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે રવિવારે સમુદ્ર તટથી લગભગ 5600 મીટરની ઊંચાઈ પર 14 ચો. કિમી ક્ષેત્રનાં ગ્લેશિયર પડ્યાં હતાં. આનાથી ધૌલીગંગા અને ઋષિગંગામાં પૂરની સ્થિતિ થઈ હતી, સાથે જ કહ્યું હતું કે ઉત્તરાખંડ સરકારના જણાવ્યા પ્રમાણે, નીચાણવાળા વિસ્તારમાં હવે પૂરનું જોખમ નથી, પાણીનું લેવલ પણ ઘટી રહ્યું છે. મોટા ભાગના વિસ્તારમાં વીજળીની સપ્લાઈ શરૂ થઈ ગઈ છે, સાથે જ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ)5 ડેમેજ પુલોને રિપેર કરી રહ્યું છે.

કેટલા લોકો ગુમ
ઋત્વિક કંપ્ની-21, ઋત્વિક કંપ્નીની સહયોગી-94, એચ.સી.સી. કંપ્ની-3, ઓમ મેટલ-21, તપોવન ગામ-2, રિંગી ગામ-2, ઋષિગંગા કંપ્ની-55, કરછો ગામ-2, રૈણી ગામ-6, કુલ 206
આમાથી 32 લોકોના મૃતદેહ મળ્યા છે, જ્યારે 174 લોકોની અત્યારસુધી કોઈ ભાળ મળી શકી નથી.