અફઘાન-ઇરાન સરહદે ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટથી 500થી વધુ ટ્રકો ભીષણ આગની ઝપેટમાં, 7 લોકો થયા ઘાયલ

8ab97474bd658db5f670d4fe161191ec91984666417344c0180fd799623123eb

અફઘાનિસ્તાનની પશ્ચિમમાં આવેલા હેરાત પ્રાંતમાં ઇરાનની સરહદે એક ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં ભયંકર આગ ફાટી નીકળી હતી. જેની ચપેટમાં કુદરતી ગેસ અને ફ્યુઅલ લઇ જતાં ૫૦૦ ટ્રક આવી ગયા હતાં તેમ અફઘાનના અધિકારીઓ અને ઇરાનના સરકારી ટેલિવિઝને એક નિવેદનમાં જણાવ્યું હતું. હેરાત પ્રાંતના ગવર્નર વાહિદ કતાલીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અફઘાનિસ્તાને આગને કાબૂમાં લેવા માટે ઇરાનના ફાયર ફાઇટરની પણ મદદ માગી છે. હાલમાં કેટલું નુકસાન થયું તે પણ જાણી શકાયુું નથી.

કુદરતી ગેસ અને ફ્યુઅલ લઇ જતાં ૫૦૦ ટ્રક આવી ગયા

હેરાતની રિજિયોનલ હોસ્પિટલના પ્રવક્તા રફીક શિરઝીના જણાવ્યા અનુસાર આગની તીવ્રતા એટલી વધારે હતી કે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી શકી ન હતી. છેલ્લે મળેલા સમાચાર મુજબ આગમાં સાત લોકો ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

ઇરાનના ફાયર ફાઇટરની પણ મદદ માગી

વીજ પુરવઠા મંત્રાલયના પ્રવક્તા વહિદુલ્લાહ તવહિદીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ આગને કારણે અફઘાનિસ્તાનને ઇરાનથી આવતા વીજ પુરવઠાને બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારણે હેરાતમાં અંધારપટ છવાઇ ગયો હતો.

હેરાતમાં અંધારપટ છવાઇ ગયો

ઇરાનના ખોરાસન રઝવી પ્રાંતના ક્રાઇસિસ મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ મોહસિસન નેજાતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની વિનંતીને પગલે ઇરાનના ફાયર ફાઇટરો આગને અંકુશમાં લેવાના પ્રયત્નો કરી રહ્યાં છે. ટ્રક ડ્રાઇવરોના જણાવ્યા અનુસાર આગની ચપેટમાં કુદરતી ગેસ અને ફ્યુઅલ લઇ જતા ૫૦૦થી વધુ ટ્રકો આવી ગયા છે.