મુન્દ્રા કસ્ટોડિયલ ડેથમાં ગ્રામ રક્ષક દળના જવાનની ધરપકડ : ત્રણ દિવસના રિમાન્ડ પર

સમાઘોઘામાં થયેલી ઘરફોડ ચોરીના ગુના સબબ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લવાયેલા સમાઘોઘાના ગઢવી યુવાનનું મોત નીપજ્યું હતું, ત્યારબાદ થોડા દિવસોમાં બીજા યુવાનનું પણ મોત થતાં ગઢવી સમાજમાં ભારે રોષ વ્યાપ્યો હતો. આ દરમ્યાન પોલીસ દ્વારા ફરાર ૬ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી તે અંતર્ગત ગફુરજી પીરાજી ઠાકોરની અટક કરાયા બાદ વધુ એક આરોપી ગ્રામ રક્ષક દળના જવાનની અટક કરવામાં આવી હતી. આ બંનેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મગાતા ૧૮ મી સુધીના રિમાન્ડ મળ્યા હતા. તપાસનીશ અધિકારી ડીવાયએસપી જે.એન.પંચાલે જણાવ્યું હતું કે, મુન્દ્રા કસ્ટોડિયલ ડેથની તપાસમાં પ્રારંભે મુન્દ્રાના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ અન્ય એક શખસની ધરપકડ કરવામાં આવી હતી. કેસમાં ૩ પોલીસ કર્મચારી સહિત ૬ આરોપી ફરાર છે. આ તમામ સામે ૩૦૨ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો જે કેસની તપાસ ચાલી રહી છે. આ દરમ્યાન એટીએસ દ્વારા રાજસ્થાનના માઉન્ટ આબુ થી આરોપીઓને શરણ આપનાર નરવીરસિંહની ધરપકડ કરાયા બાદ થોડા દિવસો પહેલાં આરોપી ગફુરજી પીરાજી ઠાકોર (રહે. ઉંટવેલિયા, બનાસકાંઠા)ની પણ અટક કરવામાં આવી હતી. હવે ગ્રામ રક્ષક દળના જવાન શંભુ દેવરાજ જરૂ (રહે.મુન્દ્રા)ની પણ સંડોવણી બહાર આવતાં તેની પણ અટક કરીને ગફુરજી તથા શંભુ એમ બંનેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ૧૮ મી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીના રિમાન્ડ આપ્યા હતા