19 વર્ષ બાદ ઝડપાયો ગોધરા કાંડનો મુખ્ય આરોપી

ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશન પર આજથી 19 વર્ષ પહેલા કાર સેવકોને જીવતા સળગાવી દેવાની ઘટનાનો મુખ્ય આરોપી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ગુજરાત પોલીસે ગોધરાથી રફીક હુસૈનની ધરપકડ કરી લીધી છે.આ અંગે પંચમહાલ પોલીસના જણાવ્યા મુજબ, રફીક હુસૈન એ ગ્રુપનો સભ્ય હતો, જેણે ગોધરા કાંડનું ષડયંત્ર રચ્યું હતું. રફીક છેલ્લા 19 વર્ષથી ફરાર હતો. પોલીસે મળેલી બાતમીના આધારે રેલવે સ્ટેશન નજીકના એક ઘર પર દરોડો પાડીને રફીક હુસૈનને ઝડપી પાડ્યો છે. પોલીસનું કહેવું છે કે, ટ્રેનના કમ્પાર્ટમેન્ટને સળગાવવા માટે પેટ્રોલની વ્યવસ્થા કરવી, ભીડને ઉશ્કેરવી અને સમગ્ર કાવતરૂં રચવામાં રફીક હુસૈનનો મોટો હાથ હતો. રફીક પર હત્યા અને હિંસા ભડકાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.