તરાજ નજીક મો.સા સ્લીપ થતાં બે યુવાનો પટકાયા, એકનું મોત
વલસાડ જિલ્લાના પારડી તાલુકાનાં સામરપાડા ગામના બે યુવાનો બાઇક લઈ સુરત જવા નીકળ્યા હતા તે સમયે પલસાણા તાલુકાનાં તરાજ ગામની સીમમાં ને.હા.નં-53 ઉપર બાઇક સ્લીપ થઈ જતાં બંને યુવાનો નીચે પટકાતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક યુવાનનું મોત નીપજયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર પારડી તાલુકાનાં સામરપાડા ગામે હનુમાન ફળિયામાં રહેતો વિવેકચન્દ્ર અશોકભાઇ પટેલ (ઉ.વ.22) તથા પ્રતિક ઉર્ફે પ્રફુલ ધનસુખભાઈ પટેલ નાઓ મો.સા નંબર જીજે-15-બીએન-1707 ઉપર સવાર થઈ સુરત જવા નીકળ્યા હતા. ત્યારે મો.સા પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તરાજ ગામની સીમમાં ને.હા.નં-53 ઉપર મૂકવામાં આવેલ સ્પીડબ્રેકર ઉપર તેઓની બાઇક ચઢી જતાં બાઇક સ્લીપ થઈ ગઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં મો.સા ઉપર સવાર બંને યુવાનોને ઇજા પહોંચતા સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વિવેકચન્દ્રનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. બનાવ અંગે પલસાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.