ગાંધીધામના યુવાનનું ગુંદિયાળીમાં રહસ્યમય સંજોગોમાં મોત

શહેરના સુંદરપુરીમાં રહેતો યુવાન મામાના ઘેર ગયો હતો. જ્યાં ગુંદિયાળી નજીક ધોકા, બેટ ધારણ કરેલા અજાણ્યા ઈસમોથી યુવાન ઘેરાયેલો જોવા મળ્યો હતો. જેથી સંબંધીએ યુવાનને બાઈકમાં બેસાડી બનેવીના ઘેર લઈ ગયો હતો. જ્યાં સૂઈ ગયા બાદ નિદ્રાધીન હાલતમાં જ યુવાનને મોત આંબી જતાં મોત પાછળ રહસ્યના તાણાવાણા સર્જાયા છે.માંડવી પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેતા વિનોદ હરજી (કટુઆ) મહેશ્વરી (ઉ.વ.ર૬) નામનો યુવાન મામા બાબુ માયા અબચુંગના ઘેર માંડવીના ગુંદિયાળી ગામે ગયો હતો. ગુંદિયાળીથી કોડાય તરફના રોડ પર તેની આસપાસ ધોકા અને બેટ ધારણ કરેલા અજાણ્યા ઈસમોથી યુવાન ઘેરાયેલો નજરે પડયો હતો. વિનોદના સંબંધી જોઈ જતાં તેને મોટરસાઈકલ પર બેસાડી નાના ભાડિયા બહેનના ઘેર લઈ ગયો હતો. દરમિયાન યુવાન કોઈ કારણસર બાઈકમાંથી પડી ગયો હતો, જેથી માથામાં છોલછાલ જેવી ઈજાઓ પહોંચી હતી.બહેનના ઘેર પહાંેચ્યા બાદ વિનોદ ત્યાં સૂઈ ગયો હતો. સાંજના છએક વાગ્યાના અરસામાં યુવાનને જગાડતા જાગ્યો ન હતો, જેથી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે વિનોદને મૃત જાહેર કરી દેતાં પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ બનાવસ્થળે દોડી ગઈ હતી અને હતભાગીનાં મોત પાછળના ચોક્કસ રહસ્યો જાણવા પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. બીજીતરફ યુવાનને માથામાં ઈજા જોવા મળી આવી છે. જ્યારે શરીરના કોઈ ભાગે ઈજાના નિશાન મળી આવ્યા નથી. જેથી યુવાનને ઘેરીને ઊભેલા અજાણ્યા ઈસમો કોણ હતા? યુવાનની હત્યા નીપજાવાઈ છે? કે અકસ્માતે મોત આંબી ગયું છે. સહિતના મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.