દેશમાં ફરી ‘જોર’ કરતો કોરોના: 24 કલાકમાં 12881 કેસ, 101ના મોત

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં વધારાનો સિલસિલો હજુ પણ યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4787 નવા કેસ મળ્યા છે. પાંચ ડિસેમ્બર બાદ ફરી કેસમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં છેલા સાત દિવસમાં 3000થી વધુ દૈનિક કેસ નોંધાતાં સરકારની ચિંતામાં વધારો થયો છે. દેશની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 12881 નવા દર્દી નોંધાયા છે. જ્યારે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને એક કરોડ છ લાખથી વધુ થઈ ચૂકી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12881 નવા દર્દી મળ્યા છે. આ રીતે દેામાં સંક્રમિતોની સંખ્યા વધીને 1,09,50,201 થઈ ગઈ છે. આ દરમિયાન 101 લોકોએ સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે જેથી કુલ મૃત્યુઆંક વધીને 1,56,014 થઈ ગયો છે.

મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 1,06,56,845 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 11,987 દર્દીઓએ વાયરસને હરાવી દીધો છે. જ્યારે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા સતત બે લાખથી નીચે યથાવત છે.

હાલ કોવિડ-19ના સક્રિય કેસની સંખ્યા 1,37,342 છે. જ્યારે અત્યાર સુધી 94,22,228 સ્વાસ્થ્યકર્મીઓને કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું હોવાનું મંત્રાલયે જાહેર કર્યું છે.