મુન્દ્રા તાલુકામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

મુન્દ્રા, તા.૧૮: સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી – ૨૦૨૧ દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી મતદાર જાગૃતિ માટે મુન્દ્રા તાલુકામાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતમાં સૌથી વધુ યુવા મતદારો છે. આ મતદારોમાં મતદાન માટે જાગૃતિ કેળવાય તથા કોઇ પણ મતદાતા મતદાનથી વંચિત ન રહે અને ખૂબ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવા સારસ્વતમ સંસ્થા માંડવી સંચાલિત સંકલિત બાળ વિકાસ યોજના મુન્દ્રા ઘટક દ્વારા તાલુકામાં ઠેર ઠેર મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકામાં આ અભિયાન હેઠળ સી.ડી.પી.ઓ. આશાબેન ગોરના માર્ગદર્શન હેઠળ વડાલાની ત્રણ આંગણવાડી કેન્દ્રો દ્વારા રેલી, ભુજપરના સાત કેન્દ્રોમાં મહેંદી સ્પર્ધા તથા સમાઘોઘાના ત્રણ આંગણવાડી કેન્દ્રોમાં રંગોળી હરીફાઈ અને  રેલીનું આયોજન કરીને મતદારોમાં જાગૃતિ લાવવા સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા.