દોઢ વર્ષથી ફરાર વિસાવદર પંથકનો તસ્કર માળીયા હાટીના પંથકમાં આવતા લોકોના સહકારથી ઝડપાઇ ગયો

તાજેતરમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર હોઈ, ડી.આઈ.જી. મનિન્દર પ્રતાપ સિંહ પવાર તથા પોલીસ વડા રવિ તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા જૂનાગઢ જીલ્લામાં ભૂતકાળના ગુન્હાઓમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા, ખાસ ઝુંબેશ હાથ ધરી, જિલ્લાના તમામ થાણા અમલદારોને વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે.
વિસાવદર તાલુકાના લાલપુર ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં આરોપી અર્જુન પોપટભાઈ ગાગિયા રહે. ભટ્ટ વાવડી, તા. વિસાવદર નામ ખુલી ગયા બાદ આજદિન સુધી છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ હતો. જેની અવારનવાર પોલીસ દ્વારા તપાસ કરવા છતાં મળી આવતો ના હતો ઉપરાંત, તાજેતરમાં પણ અમરેલી પોલીસમાં પકડાયા બાદ પોલીસ જાપતામાંથી ફરાર થઈ ગયેલ હોઈ, અમરેલી જિલ્લામાં પણ વોન્ટેડ હતો.
ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજાને મળેલ બાતમી આધારે માળીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.વી.આંબલિયા તથા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા પાડવાની ખાસ ઝૂંબેશના ભાગરૂપે આ આરોપી અર્જુન પોપટભાઈ ગાગિયા ઉવ. ૨૪ રહે. ભટ્ટ વાવડી, તા. વિસાવદર માળિયા તાલુકાના આછીદ્રા ખાતેથી ગામલોકોના સહકારથી પકડી પાડી, હસ્તગત કરી, વિસાવદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી અર્જુન પોપટભાઈ ગાગિયા રહે. ભટ્ટ વાવડી,દોઢેક વર્ષથી ઘરફોડ ચોરીના એક ગુન્હામાં નાસતો ફરતો/વોન્ટેડ હતો જે ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ છે.
વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.પટેલ તથા સ્ટાફના હે.કો. એમ.જી.અખેડ, પી.બી. હુણ, આર.જે. સીસોદીયા, પો.કો. અવિનાશ, નરેન્દ્રભાઈ, હેમંતભાઈ, હિતેશભાઈ, સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપીની પુછપરછ કરવામાં આવતા, આરોપી દ્વારા પોતે વિસાવદર તાલુકાના લાલપુર ગામે પોતાના ગામના જ મિત્રો અમિત ખાંટ અને પ્રકાશ ખાંટ સાથે મળીને કરી હોવાની કબૂલાત કરતા, વિસાવદર પોલીસ ટીમ દ્વારા આરોપીઓ (૧) અમિત ઉર્ફે જગદીશ ઉકાભાઈ પાટડીયા જાતે ખાંટ ઉવ. ૩૦ રહે. ભટ્ટ વાવડી તા. વિસાવદર જી. જૂનાગઢ તથા (૨) પ્રકાશ કનુભાઈ પાટડીયા જાતે ખાંટ ઉવ. ૨૮ રહે. ભટ્ટ વાવડીને પણ પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે….ં
વિસાવદર પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપી અર્જુન પોપટભાઈ ગાગિયાની પૂછપરછ કરવામાં આવતા, આ ઘરફોડ ચોરી ઉપરાંત, ધારી તાલુકાના મોણવેલ ગામેથી એક મોટર સાયકલ ચોરી, બગસરા તાલુકાના લૂંધિયા ગામેથી એક મકાનમાંથી ઘરફોડ ચોરી અને અમરેલી ખાતે બગસરા પોલીસના જાપતામાંથી નાસી જવાનો એક ગુન્હા સહિત કુલ ૦૪ ગુન્હાઓની કબૂલાત કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા પકડાયેલ આરોપી ભૂતકાળમાં કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ..? આ પહેલા કેટલી વાર ધરપકડ કરવામાં આવેલ છે..? ઘરફોડ ચોરી તથા વાહન ચોરીનો મુદ્દામાલ કયા રાખવામાં આવેલ છે…? વિગેરે મુદાઓ સબબ પુછપરછ હાથ ધરી, નામદાર કોર્ટમાં રજૂ કરી, દિન ૦૨ ના પોલીસ રીમાન્ડ ઉપર મેળવી, વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એન.આર.પટેલ તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે