કચ્છમાં હેલ્થ કેર વર્કરનું ૯૭ ટકા અને ફ્રન્ટલાઇન વોરિયર્સનું ૮૭ ટકા રસીકરણ
કચ્છમાં કોવીશીલ્ડની ૧૧૫૩૨ હેલ્થકેર વકર્સનું ૯૭ ટકા અને ૧૮૨૬૭ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનું ૮૭ ટકા પ્રથમ ડોઝનું રસીકરણ થયેલ છે. તા.૧૫/૨/૨૧થી જેઓને પ્રથમ ડોઝના ૨૮ દિવસ પૂર્ણ થતાં આપવાના બીજા ડોઝનો રાઉન્ડ ચાલુ છે.
સમગ્ર ભારત સાથે કચ્છમાં પણ તા.૧૬/૧/૨૦૨૧ના જી.કે.જનરલ આરોગ્ય કેન્દ્રો ખાતે હેલ્થ કેર વકર્સ માટેનું રસીકરણ અભિયાન ચાલુ થયેલ છે.
હેલ્થ વકર્સના રસીકરણ અભિયાનમાં કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સહિત જિલ્લાના અગ્ર હરોળના અધિકારીશ્રીઓ, મેડીકલ ઓફિસર્સ, આરોગ્ય કર્મીઓ, પ્રાઈવેટ તબીબો, આયુષ અને હોમિયોપેથી તબીબો, લેબ ટેકનિશિયનો વગેરેએ રસીકરણ લઇ અન્યોને આ મહા અભિયાનમાં જોડાવવા અનુરોધ કર્યો હતો.
તા.૩૧/૧/૨૦૨૧ થી અન્ય કોવીડ વોરિયર્સ એવા પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ, નગરપાલિકા, બોર્ડર સિકયુરીટી ફોર્સ, આર્મી અને એરફોર્સના અધિકારી તેમજ કર્મચારીગણનું રસીકરણ ચાલુ કરવામાં આવેલ છે. આ દરમ્યાન નિવાસી અધિક કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, વિવિધ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, તેમજ વિવિધ ખાતાના કર્મચારીશ્રીઓ અને બી.એસ.એફ., આર્મી અને દેશરક્ષકોએ ઉત્સાહભેર આ મહાઅભિયાનમાં ભાગ લઇ રસીકરણ કરાવવા સોશિયલ મીડીયાના માધ્યમથી અપીલ કરી હતી એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી માઢકે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહયું કે, કોવીશીલ્ડ વેકસીનેશન આપણા શરીરમાં રોગ સામે લડવાની તાકાત આપે છે. કચ્છમાં આ અભિયાન સરળ રીતે ચાલી રહયું છે. ભવિષ્યમાં પણ લોકો જાગૃતતા દાખવી આ મહાઅભિયાનમાં જોડાશે તેવી અપેક્ષા રાખું છું.