બાબરાની સીમમાં પ્રેમી પંખીડાનો આપઘાત
અમરેલી જિલ્લાના બાબરાની સીમમાં પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ બાબરાના પાટીદાર જીન પાછળ દરેડ ખાખરીયા રોડ ઉપર આવેલ હિતેશભાઈ કાળાભાઈ સરવૈયાની વાડીમાં યુવક અને યુવતીના મૃતદેહ હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે.
આ દરમિયાન પોલીસને જાણવા મળ્યુ હતુ કે આ મૃતદેહ બાબરામાં રહેતા મિસ્ત્રી સાગર અરવિંદભાઈ પરમાર (ઉ.વ. ૧૬) અને મૂળ ઉનાના અને હાલ બાબરા રહેતા કિરણ દિનેશભાઈ દાફડા (ઉ.વ. ૧૫)ના મૃતદેહ હોવાનું જાણવા મળ્યુ હતું.
પોલીસે તપાસ કરતા બન્ને પ્રેમી પંખીડા તા. ૨૧ના રોજ ઘરેથી જતા રહ્યા હતા ત્યાર બાદ બન્નેએ વાડીમાં જઈને મોત મિઠું કરી લીધુ હતું.
મૃતક કિરણ દાફડાના પિતા દિનેશભાઈ મોહનભાઈ દાફડા બે વર્ષથી બાબરામાં નરેશભાઈ મારૂની વાડીમાં ભાગીયુ રાખીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને બે સંતાન છે. જેમા કિરણ નાની છે અને એક પુત્ર કલ્પેશ જે મોટો છે.
આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.