કોરોનામાં સાવચેતી જ સલામતી
સાવચેતી એ સલામતીની પ્રથમ શરત છે. સ્વ અને સ્વજનોની સલામતી દરેક નાગરિકની સામાજિક ફરજ છે. જેને પ્રવર્તમાન સમયમાં તો અચૂક અનુસરવી જોઇએ.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જેને ધ્યાને લઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ધિ એપેડેમીક ડિસીઝ કોવીડ રેગ્યુલેશન ૨૦૨૦ જાહેર કરેલછે. કેન્દ્ર અને રાજય દ્વારા સમયાંતરે જણાવવામાં આવતું રહે છે કે કોરોના કયાંય ગયો નથી. થોડી અસાવધાની કે ચૂકથી કોવીડ-૧૯ની અસર થઇ શકે છે.
સમયાંતરે જાહેર અને વિવિધ માધ્યમો દ્વારા અપાતી સલામતી અને સાવચેતીની સૂચનાઓ જેમ કે મોં, નાક પર માસ્ક પહેરવું, સલામત અંતરથી જીવન વ્યવહાર કેળવવો, વારંવાર હાથ સાબુથી ધોવા, સેનિટરાઈઝનો ઉપયોગ કરવો વગેરેને અનુસરવી. જો તમને કે તમારા પરિવારજનોમાં સૂકી ઉધરસ, સાંધામાં દુખાવો તેમજ ખાવાનો ટેસ્ટ અને સ્મેલ ના આવવા જેવાં સામાન્ય લક્ષણો અનુભવાય તો નજીકના દવાખાના કે તબીબ કે હેલ્થ વર્કરનો સંપર્ક કરવો. તમને અચાનક માથુ દુખે ગળફામાં લોહી આવે કે ડાયેરિયા, ઝાડા અતિસાર થાય તો તુરંત આરોગ્ય સબંધી સેવાઓ, નિષ્ણાંતોનો સંપર્ક કરી યોગ્ય સારવાર મેળવો. જો કે નાક ટપકવું કે છીંકો આવતી રહે તે કોરોના વાયરસના લક્ષણમાં નથી આવતું.
૧ થી ૧૪ દિવસમાં કોરોના વાયરસના લક્ષણો દેખાવવાની શરૂઆત થાય છે જે યોગ્ય તબીબી માર્ગદર્શન હેઠળ ૨ અઠવાડિયામાં રીકવર કરી શકાય છે.
આ વાયરસથી બચવાનો સૌની સરળ ઉપાય છે બિનજરૂરી બહાર જવાનું ટાળવું. ભીડભાડવાળા કોઇપણ કાર્યક્રમમાં જવાનું ટાળવું. જો તમને શંકા ઉદભવે તો હાલના સમયમાં ઘરના સામાન જેવા કે થાળી, ગ્લાસ, વાટકી, ટુવાલ, પથારી વગેરે અન્યને વાપરવા દેવા નહીં. થોડા થોડાં અંતરે હાથને સાબુથી ધોતાં રહેવું. ઘરમાં દરેક જગ્યાએ ફરવાના બદલે એક જગ્યાએ સ્થિરતા જાળવો. વૃધ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બાળકોથી દુર રહો. હવાની અવર-જવર હોય તેમજ સંડાસ બાથરૂમ નજીક હોય તેવા સ્થાન પર રહો તબીબ કહે તો કવોરેન્ટાઇન કે હોમ કવોરેન્ટાઇન રહો. નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અને સંક્રમણ અટકાવવા વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે. કન્ટેન્મેન્ટ અને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન પણ જાહેર કરવામાં આવી રહયા છે. કોવીડ-૧૯ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં માત્ર સરકારી ફરજ બજાવતી વ્યકિત સિવાય અન્યોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
આ વિસ્તારના રહેવાસી અસરકર્તાઓને જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવે છે. એક નિશ્ચિત સમય અને તારીખ સુધી અસરકર્તા વ્યકિત, પરિવાર કે ઘરને તેનું પાલન કરવાનું રહે છે. આનો ભંગ કરનાર પ્રત્યે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષા કરવામાં આવે છે.