મતદાન મથક પર ૧૦૦ મીટરની ત્રિજયામાં મતદારોને ગેરમાર્ગે દોરવા પર પ્રતિબંધ

રાજય ચુંટણી આયોગ તરફથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય/પેટા ચુંટણી ૨૦૨૧ની તારીખો જાહેર થયેલ છે. તા.૨૮/૦૨/૨૦૨૧ના રોજ મતદાન થનાર છે. જે મુજબ તા.૨૩/૦૧/૨૦૨૧ થી ચુંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. જે અનુસંધાને જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે સચિવશ્રી, રાજય ચુંટણી આયોગ, ગાંધીનગર તરફથી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે.

જેથી પ્રવિણા ડી.કે.,આઇ.એ.એસ. જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ – ભુજ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ થી તેમને મળેલ સત્તાની રૂએ સમગ્ર કચ્છ જિલ્લામાં મતદાનના દિવસે મતદાન મથક પર મત માટે પ્રચાર કરવા, મતદારોને ધાક-ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા, કોઈ મતદારને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવી, અમુક ઉમેદવારને મત ન આપવા માટે કોઈ મતદારને સમજાવવા કે કોઈ મતદારને ચુંટણીમાં મત ન આપવા સમજાવવા, ચુંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવી, સેલ્યુલર/મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, પેજર, વાયર લેસ સેટ અને અન્ય વિજાણું સંદેશાવ્યવહારના સાધનો કે વાહનો સાથે લઇ આવવા, મતદાન મથકમાં મતદાન માટે આવેલ મતદાર, ઉમેદવાર તથા ચુંટણીપંચે અધિકૃત કરેલ ચુંટણી ફરજ ઉપરની વ્યક્તિ સિવાયની વ્યક્તિએ પ્રવેશ કરવું વગેરે કૃત્યો પર પ્રતિબંધ ફરમાવેલ છે.

ચુંટણી પંચ દ્વારા નિયુકત ઓબ્ઝર્વરશ્રીઓ, ચુંટણી ફરજ પરના અઘિકારી/કર્મચારી/ફરજ પરના પોલીસ કર્મચારી/અઘિકારશ્રીને વિજાણું સંદેશાવ્યવહારના સાધનો તથા વાહનો લઇ જવા બાબતે આ હુકમ લાગુ પડશે નહિ.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે તેમજ દોષિત જાહેર થનારને એક માસની સાદી કેદ અથવા રૂ. ૨૦૦/-નો દંડ અથવા બન્ને સજા થઈ શક્શે.