મતદાનના દિવસે મતદાન મથક પર વિજાણું સંદેશાવ્યવહારના સાધનો લઇ જવા પર પ્રતિબંધ

રાજય ચુંટણી આયોગ તરફથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય/પેટા ચુંટણી ૨૦૨૧ની તારીખો જાહેર થયેલ છે. તા.૨૮/૦૨/૨૦૨૧ના રોજ મતદાન થનાર છે. જે મુજબ તા.૨૩/૦૧/૨૦૨૧થી ચુંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. આગામી ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણીઓની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે સચિવશ્રી, રાજય ચુંટણી આયોગ, ગાંધીનગર તરફથી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે.

જેથી પ્રવિણા ડી.કે.,આઇ.એ.એસ. જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ – ભુજ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ થી તેમને મળેલ સત્તાની રૂએ ફરમાવેલ છે કે, સમગ્ર કચ્છ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય/પેટા ચુંટણી ૨૦૨૧ સંદર્ભે મતદાનના દિવસે મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે લઈને જઈ શક્શે નહી કે ઉપયોગ કરી શક્શે નહી. કે વાયરલેસ ડીવાઈસીસ જેવા કે બ્લુ ટુથ, પેન કેમેરા, મોબાઈલ કે ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઈ પણ ઈલેક્ટ્રોનીક સાધનો લઈ જઈ શક્શે નહી. મત ગણતરીના દિવસે મત ગણતરી કેન્દ્રની અંદર કે આસપાસ કે મત ગણતરી કેન્દ્રની આસપાસ કોર્ડન કરવામાં આવેલ વિસ્તારની અંદર કોઈપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે લઈને જઈ શક્શે નહી કે ઉપયોગ કરી શક્શે નહી. કે વાયરલેસ ડીવાઈસીસ જેવા કે બ્લુટુથ, પેન કેમેરા, મોબાઈલ કે ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઈ પણ ઈલેક્ટ્રોનીક સાધનો લઈ જઈ શક્શે નહી. ઉપરોક્ત પ્રતિબંધો ચુંટણી અને પોલીસના અધિકૃત અધિકારી/કર્મચારીને તેમજ ચુંટણીપંચ દ્વારા અધિકૃત કરેલ અધિકારીઓને લાગુ પડશે નહી.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે તેમજ દોષિત જાહેર થનારને એક માસની સાદી કેદ અથવા રૂ. ૨૦૦/-નો દંડ અથવા બન્ને સજા થઈ શક્શે.