નકલી ડ્રાઈવીંગ લાઈસન્સ બનાવાનું રેકેટ ઝડપાયુ, ક્રાઈમબ્રાંચે 2 શખ્સોની કરી ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સનું રેકેટ ઝડપી પાડી બે ઇસમોની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે જુહાપુરા બરફની ફેક્ટરીવાળા નાકા પાસેથી અફસરૂલ શેખ નામનો યુવક બનાવટી લાયસન્સ સાથે નીકળ્યો છે. જેથી પોલીસે યુવકને રોકીને પૂછપરછ કરતા તેણે આ લાયસન્સ ફતેવાડીના મારુફમુલ્લા નામના યુવક પાસે 6 હજાર રૂપિયામાં બનાવેલા હોવાનું જણાવ્યું હતું.ક્રાઈમબ્રાંચે યુવક પાસેથી બનાવટી બનાવટી લાયસન્સ સહિત મોબાઈલ અને એક્ટીવા કબ્જે કરી હતી અને યુવકને સાથે રાખીને તેના જણાવ્યા મુજબ ફતેવાડી સાવન ડુપ્લેક્સમા તપાસ કરતાં મારુફમુલ્લા રહેમતમુલા નામનો યુવક મળી આવ્યો હતો. જેના ઘરની તપાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચને અલગ-અલગ વ્યક્તિઓના 19 બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ, અલગ-અલગ વ્યક્તિઓના નામના શકમંદ આધારકાર્ડ, 5 પાન કાર્ડ અને બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટેના ચીપ વાળા કોરા કાર્ડ અને ચીપ વગરના કોરા કાર્ડ સહિત યુવકોનાં પાસપોર્ટ સાઇઝના ફોટો, લેપટોપ, કલર પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.ક્રાઈમબ્રાંચે આ મામલે ગુનો નોંધી બન્ને આરોપીઓની ધરપકડ કરી છે. મારૂફમુલ્લાની પુછપરછ દરમ્યાન તે છેલ્લા કેટલાય સમયથી પોતાના ઘરેથી જ બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતો હોવાનું અને તે માટે પોતાની પાસે જે કોઈ વ્યક્તિ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા આવે તે વ્યક્તિ બીજા વ્યક્તિઓને જણાવીને એક પછી એક ગ્રાહકો તેની પાસે આવતો હોવાનું કબૂલ્યું હતું. આરોપીએ અત્યાર સુધીમાં તેણે 39 જેટલા ઈસમોને આવા બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી આપ્યા હોવાનું અને ગ્રાહકો પાસેથી મોટરસાયકલના બનાવટી લાયસન્સ માટે ૨૫૦૦ અને ફોર વ્હીલરના બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી આપવા પેટે 5000 રૂપિયા લેતો હોવાનું ખુલ્યુ છે.આરોપી પાસેથી મળી આવેલા બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ સિવાય અન્ય કયા ઇસમોને આવા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી આપ્યા છે તે દિશામાં તેમજ બીજા કોણ કોણ માણસો આ ગુનામાં સંડોવાયેલા છે અને આધારકાર્ડ અને પાનકાર્ડ કે પછી ચૂંટણી કાર્ડ જેવા બીજા કોઈ બનાવટી આઇકાર્ડ બનાવે છે કે કેમ તે બાબતમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.