ઇડરની યુવતીને બિભત્સ મેસેજ કરનાર હળવદનો યુવક સકંજામાં

ઇડરની એક યુવતીના ફોટાનો તેમજ નામનો ઉપયોગ કરી હળવદના યુવકે ઇન્ટ્રાગ્રામ પર બે ફેક આઇ.ડી. બનાવી છેલ્લા કેટલાય સમયથી યુવતીને બિભત્સ મેસેજ મોકલી પરેશાન કરતા યુવતીએ ઇડર પોલીસ સ્ટેશનમાં બિભત્સ મેસેજ મોકલનાર યુવક વિરૂધ્ધ ગુરૂવારે મામલો દર્જ કરાવ્યો હતો. ત્યારબાદ સાબરકાંઠાના સાયબર ક્રાઇમ સેલે ગણતરીના કલાકોમાં જ હળવદના યુવકને દબોચી લઇ ઇડર પોલીસ હવાલે સોંપ્યો છે.

ઇડરની યુવતીને બદનામ કરવાના ઇરાદાથી હળવદના યુવકે છેલ્લા કેટલાય સમયથી યુવતીના ફોટાનો તેમજ નામનો ઉપયોગ કરી ઇન્સ્ટ્રાગ્રામ પર બે ફેક આઇ.ડી. બનાવી યુવતીને બિભત્સ મેસેજ મોકલી પરેશાન કરતો હતો. યુવકની ગંદી હરકતોથી વાજ આવી ગયેલી યુવતીએ ઇડર પોલીસ સ્ટેશનમાં હરેશભાઇ રામજીભાઇ ચૌહાણ વિરુદ્ધ ગુરૂવારે ફરિયાદ નોંધાવ્યા બાદ સાબરકાંઠા સાયબર ક્રાઇમ સેલના પી.એસ.આઇ. જે.એમ.પરમારે તપાસ હાથ ધરી હતી. સાયબર ક્રાઇમ સેલે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ઇડરની યુવતીના ફોટાનો ઉપયોગ કરી ઇન્સ્ટ્રાગ્રામની ફેક આઇ.ડી. પર યુવતીને બિભત્સ મેસેજ કરનાર હરેશભાઇ ચૌહાણને દબોચી લઇ ઇડર પોલીસ સ્ટેશનમાં ગુરૂવારે ઇપીકો કલમ ૩૫૪(ડી), ૫૦૯ તથા આઇ.ટી. એકટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.