થરાદના શિવનગર વિસ્તારમાં મકાનમાં આગ લાગતાં અફરાતફરી

થરાદની શિવનગર વિસ્તારમાં એક રહેણાંકના મકાનમાં આગ લાગવાના કારણે અફારતફરી સાથે ઉત્તેજનાનો માહોલ પ્રસરવા પામ્યો હતો. જો કે પાલિકાની ટીમે આગને કાબુમાં લેતાં વધુ નુકશાન થતું અટકવા પામ્યું હતું. થરાદ શહેરના વોર્ડ નંબર એકમાં આવેલ શિવનગર વિસ્તારની ધરણીધર સોસાયટીમાં રહેતા ભુરપુરી મહાદેવપુરી ગોસ્વામીના રહેણાંક મકાનમાં શનિવારની સાંજે આગ લાગતાં અફરાતફરી સાથે ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો.

આ અંગે થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતાં ફાયર ઓફિસર વિરમજી રાઠોડ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગને કાબુમાં લીધી હતી. રહેણાંકના મકાનની પાછળ આવેલા ખુલ્લા કોમન પ્લોટમાં કચરો સળગાવવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે તેમના ઘરની ગેલેરીમાં પડેલ સેકન્ડ કુલર અને સાયકલ સહિત ઇલેક્ટ્રીક સામાનમાં આગ લાગી ગઈ હતી. જો કે સમયસર પહોંચી જવાના કારણે આગથી વધારે નુકસાન થયું નથી તેમ ફાયર વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. આ બનાવને પગલે આજુબાજુના રહીશોમાં પણ દોડધામ સાથે ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી.