ઉપલેટા તાલુકા પંચાયતની ખારચિયા બેઠકના અપક્ષ સદસ્યએ કેસરિયો ધારણ કરી જોડાયા ભાજપમાં
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે ત્યારે ઉપલેટા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના 8-8 ઉમેદવારોને તાલુકા પંચાયતની બેઠકો પર જીત મળી છે તો બીજી તરફ ઉપલેટા તાલુકા પંચાયતની બે બેઠકો પર અપક્ષના ઉમેદવારોની જીત થઈ હતી. આ પરિણામ બાદ ભાજપ કોંગ્રેસને સમાન બેઠકો મળતા રાજકીય ચર્ચાએ ખૂબ જ જોર પકડ્યું હતું અને અપક્ષ સદસ્ય કિંગ મેકર બનશે તેવી પણ ચર્ચાઓએ સમગ્ર વિસ્તારમાં ખુબ જોર પકડ્યું હતું ત્યારે ઉપલેટા તાલુકા પંચાયતની ખારચિયા બેઠકના અપક્ષના ઉમેદવાર પ્રવિણાબેન પિયુષભાઈ હુંબલ ભાજપમાં જોડાતા ઉપલેટા પંથકમાં રાજકારણ ગરમાયું છે.
ઉપલેટા તાલુકા પંચાયતની ખારચીયા બેઠકના અપક્ષના સદસ્યએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાના વરદ હસ્તે ભાજપનો કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાયા છે જેથી હાલ ઉપલેટા તાલુકા પંચાયતની 18 બેઠકોમાં ભાજપને મળેલ આઠ બેઠકોમાં વધુ એક અપક્ષના સદસ્ય ભાજપમાં જોડાતા ભાજપમાં ભાજપ પાસે હાલ નવ સદસ્યો થઇ ચુક્યા છે. ઉપલેટા તાલુકા પંચાયતની ખારચિયા બેઠકના અપક્ષના સદસ્ય ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે અને સાથે જ આવનારા દિવસોમાં પણ નવા-જુનીનાં એંધાણ થવાની પણ શક્યતા આ તકે સેવાઈ રહી છે.
આ સાથે રાજકોટ ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઉપલેટા તાલુકા પંચાયતમાં હાલ ભાજપ પાસે સદસ્યોનું સંખ્યા બળ વધારે એટલે કે નવ છે જયારે કોંગ્રેસ પાસે આઠ બેઠક છે ત્યારે આવનારા દિવસોમાં ભાજપ પક્ષ ઉપલેટા તાલુકા પંચાયત બનાવવા જઈ રહી છે સાથે એવી પણ જણાવ્યું કે ભાજપ પક્ષ આવનારા દિવસોમાં ઉપલેટા તાલુકા પંચાયતની સત્તા પર બિરાજશે તેવી પણ વાત કરી હતી.
રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા