રાધનપુરના અમીરપુરા નજીક ટ્રેકટર-બાઈક વચ્ચે અકસ્માતમાં બે મિત્રોનાં મોત
રાધનપુર તાલુકાના અમીરપુરા પાસે રવિવારના રોજ ટેકટર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અમીરપુરા ગામના બે આશાસ્પદ યુવાનોના કરણ મોત નિપજતા સમગ્ર ગામમાં શોકની કાલિમા છવાઇ જવા પામી હતી. ગ્રામજનોએ બે યુવકોના મોતને લઈ સ્વયંભૂ બંધ પાળ્યો હતો.અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ રાધનપુર તાલુકાના અમીરપુરા ગામે રહેતા દલિત સમાજના બે મિત્રો બાઈક ઉપર રવિવારના રોજ અમીરપુરા ગામના માર્ગ પરથી બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે અમીરપુરા ગામમાંથી પસાર થઈ રહેલ ટ્રેક્ટર સાથે અગમ્ય કારણોસર બાઇક અથડાતા બંને મિત્રો રોડ પર પટકાતા ગંભીર રીતે ઘવાયા હતા જે બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેનું સારવાર દરમિયાન મોત નિપજતા અમીરપુરા ગામમાં શોકની કાલિમા છવાઇ જવા પામી હતી. અમીરપુરાના બંને યુવા મિત્રોએ આકસ્મિક વિદાય લેતા તેઓની અંતિમયાત્રામાં સમસ્ત અમીરપુરા ગામના લોકોએ જોડાઈ પોતાના ધંધા રોજગાર સ્વયંભુ બંધ રાખી સ્વર્ગસ્થના આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.